કેવડિયા કોલોની ખાતે શ્રેષ્ઠ ભારત ભવન'ના નિર્માણનો વિરોધ, સ્થાનિકોનું પોલીસ સાથે ઘર્ષણ

ગુરુવાર, 26 એપ્રિલ 2018 (15:29 IST)
કેવડિયા કોલોની ખાતે 2900 કરોડના ખર્ચે બની રહેલા શ્રેષ્ઠ ભારત ભવનનો સ્થાનિક આદિવાસી લોકોએ વિરોધ કર્યો છે. વર્ષોથી વસવાટ કરતા ત્રણ પરિવારોને હટાવવા જતાં સ્થાનિકોને પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ. આસપાસના 6 ગામની મહિલાઓએ ભજન કરીને ભારત ભવનના નિર્માણ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કેવડિયા કોલોની ખાતે 2900 કરોડનાં ખર્ચે બની રહેલા શ્રેષ્ઠ ભારત ભવનનો 6 ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જ્યાં સુધી આસપાસના 6 ગામોને યોગ્ય વળતર અને લાભ નહીં આપવામાં આવે ત્યાં સુધી બાંધકામ બંધ કરવાનું કહીને સ્થાનિક લોકોએ આજે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ સાથે જ નર્મદા નિગમ અને એલ.એન.ટીના અધિકારીઓ પણ દોડી ગયા હતા. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાતાં તેમની સામે 6 ગામની મહિલાઓએ ભજન કરીને વિરોધ નોંધાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન બનાવવામાં આવી રહ્યું છે જેનો શરૂઆતથી વિરોધ ચાલી રહ્યો છે અને આ સ્થળ પર વર્ષોથી વસવાટ કરતા ત્રણ પરિવારોની જમીનો ભારત ભવન બનાવવા વચ્ચે નડતી હોવાથી આજે પોલીસ કાફલા સાથે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી આદિવાસીઓએ વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ ઉભું થયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર