ગુજરાતના ગામડાઓમાં નાંણાની તીવ્ર અછત, લોકોને બેંકો માત્ર 30 ટકા રકમ આપી રહી છે.
શનિવાર, 14 એપ્રિલ 2018 (14:35 IST)
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી છેલ્લા એક સપ્તાહથી ચેસ્ટ બેન્કોને માગણીના પ્રમાણમાં માત્ર 30 ટકા નાણાંની ફાળવણી કરાઇ રહી છે. જેને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે નાણાકીય કટોકટી શરૂ થઇ ગઇ છે. દેશભરમાં નોટબંધી સમયે જે નાણાંભીડ સર્જાઇ હતી, તેવી સ્થિતિ પુન: ઊભી થઇ છે. હાલમાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં તીવ્ર નાણાકીય કટોકટી જોવા મળી રહી છે. કારણકે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનો મુખ્ય નાણાકીય સ્ત્રોત ખેતી અને પશુપાલન છે.
હાલમાં ખેડૂત જ્યારે ઉત્પાદિત પાક વેચવા માર્કેટયાર્ડમાં જાય ત્યારે વેપારીઓ પાસે પૂરતી કેશ ન હોઇ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નાણાં મળતાં નથી. જેની સીધી અસર બજારમાં વેપાર-ધંધા પર પડી રહી છે. બીજીબાજુ, લગ્નસરાને લઇને પણ નાણાંનો ઉપાડ વધ્યો છે. સામે પૂરતા પ્રમાણમાં કેશ આવતી નથી. આગામી સપ્તાહ સુધીમાં ચેસ્ટ બેન્કોને પૂરતી કેશ નહીં મળે તો નાણાકીય કટોકટી મોટું રૂપ ધારણ કરી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.બેંન્કિંગ સૂત્રોના મતે ખેડૂતને 50 ટકા રકમ રોકડા અને બાકીની 50 ટકા રકમ આરટીજીએસમાં કરાય તો નાણાંની અછત હળવી બને.પાટણના સમી તાલુકાના દુદખા ગામના ખેડૂત મેલાજી ગાંડાજી ઠાકોર પોતાના ગામ દુદખાથી 65 કિલોમીટર દૂર બનાસકાંઠાના થરા ગામે પૈસા લેવા માટે આવ્યા હતા. પરંતુ એટીએમ બંધ હોવાથી નિરાશ થઇ ગયા હતા. આ અંગે મેલાજી ગાંડાજી ઠાકોરે જણાવ્યું કે, ‘મારા ભાઇના ઘરે લગ્ન હોવાથી સમાજના વ્યવહાર સાચવવા તેમજ ઘરમાં સીધુ સામાન ભરવા માટે પૈસાની જરૂર હોઇ સમી અને રાધનપુરની બેન્ક તેમજ એટીએમમાં ગયો પણ પૈસા ન હતા. કોઇએ કહ્યું કે થરા ગામમાં એટીએમમાં પૈસા છે, તેથી હું ભાડું ખર્ચીને થરા આવ્યો હતો. પરંતુ અહીંયા પણ બધા એટીએમ બંધ હાલતમાં છે. આમ છતાં પૈસે અત્યારે મારે પરેશાની ભોગવવી પડી રહી છે.