કોંગ્રેસના સંગઠનમાં અત્યારથી ભલામણોનો દોર, લોબિંગ શરુ થયું

શુક્રવાર, 13 એપ્રિલ 2018 (12:44 IST)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાને ઓપ આપવાની દિશામાં તૈયારીઓ થઇ રહી છે.તાલુકાથી માંડીને જીલ્લા-પ્રદેશકક્ષાએ સંગઠનમાં માનિતાઓને સ્થાન આપવા અત્યારથી કોંગ્રેસના વિવિધ જૂથના નેતાઓ સક્રિય થયા છે. સંગઠનમાં સ્થાન મળે તે માટે લોબિંગનો દોર શરુ થયો થયો છે.એટલું જ નહીં,ભલામણો પણ થવા માંડી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસનું ક્લેવર બદલવા યુવા ધારાસભ્યોને વિધાનસભા વિપક્ષના નેતાથી માંડીને પ્રદેશ પ્રભારી,પ્રદેશ પ્રમુખના હોદ્દા સુપરત કર્યા છે.

સંગઠનમાં ય યુવા,તરવરિયા અને પાયાના કાર્યકરોને સ્થાન મળે તેવી હાઇકમાન્ડે પણ સૂચના આપી છે. આમ છતાંય જૂના જોગીઓએ પોતાના માનિતાઓને સંગઠનમાં સ્થાન મળે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. સંગઠનમાં સમાવવાના મુદ્દે અત્યારથી સિનિયર-જુનિયર વચ્ચે ખેંચતાણ શરૃ થઇ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. નવા સંગઠનમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના સહારે કેટલાંય નેતાઓ રાજકીય હિસાબકિતાબ પૂર્ણ કરવા પણ બેતાબ બન્યા છે.કેટલાંયના પત્તા કપાશે તો,કેટલાંયને મહત્વના હોદ્દા અપાશે.આ જોતાં અત્યારથી સંગઠનમાં હોદદો મેળવવા દાવેદારોએ ગોડફાધરોના આંટાફેરા શરુ કરી દીધા છે. દિલ્હીથી ભલામણો કરાવવા પણ દોડધામ થઇ રહી છે. હવે નવા સંગઠનમાં કયા જૂથને કેટલુ મહત્વ મળે છે,કયા જૂથનું પત્તુ કપાશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે કેમ કે, તેના આધારે જ ખબર પડશે કે,પરર્ફોમન્સ આધારે નિમણૂકો થઇ છે કે પછી,લાગવગ આધારે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર