સીએમ મોદીની મહત્વની પાણી માટેની સૌની યોજના માટે મોદી સરકાર પાસે ફંડ નથી

શુક્રવાર, 23 માર્ચ 2018 (13:05 IST)
ગુજરાતમાં પાણીના પ્રાણ પ્રશ્ન માટે સીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સૌની યોજના માટે હવે પીએમ મોદીની સરકાર પાસે ફંડ નથી. વિધાનસસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્યોના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે વિજય રુપાણી સરકારે પાછલા 2 વર્ષમાં સૌની યોજના માટે અલગ અલગ તબક્કે રુ.3200 કરોડની માંગણી કરી છે. જોકે આ માગણીમાંથી હજુ સુધી કેન્દ્ર તરફથી એક પણ પૈસો મળ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં રાજ્યના જળસંસાધન પ્રધાને લેખીત જવાબ આપતા કહ્યું કે, ઓક્ટોબર 2016થી ડિસેમ્બર 2017 સુધીમાં રાજ્ય સરકારે સૌની યોજના માટે કેન્દ્ર પાસેથી રુ.3200 કરોડ માંગ્યા હતા. જે પૈકી હજુ સુધી એકપણ રૂપિયો રાજ્યને મળ્યો નથી.

જોકે પ્રધાને કહ્યું કે રાજ્યની આ પ્રોપોઝલ કેન્દ્ર સરકારમાં હાલ સ્ક્રુટીની અંતર્ગત હોઈ ફંડ મળવાનો કે ન મળવાનો મુદ્દો હજુ સુધી ઉઠ્યો નથી.  ગુજરાત સરકારે કેન્દ્રના AIPB હેઠળ સૌની યોજના માટે 6,399 કરોડ રુપિયાની માગણી કરી હતી. જેના પર કેન્દ્રની ટેક્નિકલ ઓથોરિટી સેન્ટ્રલ વોટર કમિશને સૌની યોજના પ્રોજેક્ટની ફીઝિબિલિટી અંગે અનેક સવાલ ઉઠાવીને નેગેટિવ ઓપિનિયન આપ્યો હતો. સપ્ટેમ્બર 2012માં તત્કાલિન મુખ્યમંત્રી મોદી દ્વારા રાજ્ય વિધાનસબા ચૂંટણીના થોડા સમય પહેલા જ સૌની યોજના પ્રજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતરગત પાણીની અછત ધરાવતા 7 જિલ્લાના કુલ 115 ડેમને નર્મદાના નીરથી ભરવાની રાજ્ય સરકારે નેમ લીધી હતી. જે માટે 115 કિમીની લિંક પાઇપલાઇન પણ રાજ્યના તમામ વિસ્તારોમાં વિછાવવાનો પ્લાન રજૂ કર્યો હતો. 2012માં યોજના જાહેર કરતા વખતે અંદાજીત ખર્ચ રુ. 10000 કરોડ આંકવામાં આવ્યો હતો. જોકે રાજ્ય સરકારે સમગ્ર યોજનાનો ખર્ચ રીવાઇઝ્ડ કરીને રુ.18000 કરોડ નક્કી જાહેર કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર