કાર્તિ ચિદમ્બરમનો નાર્કો ટેસ્ટ કરવા ગુજરાત સરકાર તૈયાર
બુધવાર, 7 માર્ચ 2018 (16:29 IST)
વિધાનસભામાં આજે રાજ્યની એફએસએલમાં નાર્કો એનાલિસિસ અંગેના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની તપાસ એજન્સી ઈચ્છે તો કાર્તિ ચિદમ્બરમનો પણ નાર્કો ટેસ્ટ કરાવવા અમારી એફએસએલ તૈયાર છે. વિધાનસભામાં આજે એફએસએલમાં નાર્કો એનાલિસિસ અંગેના પ્રશ્નોની ચર્ચા દરમિયાન બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલજી ઝાલાએ ગૃહ રાજ્ય મંત્રીએ કર્તિ ચિદમ્બરમ અંગે કરેલા ઉલ્લેખનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આસારામ, નિરવ મોદી, વિજય માલ્યા અને અમિત શાહનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે કેમ? કોંગ્રેસના ધારાસભ્યોના આવા ઉચ્ચારણોથી ગૃહમાં હોબાળો મચી ગયો હતો બંને પક્ષના ધારાસભ્યો ઊભા થઈ જતા ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચવા લાગી હતી, જેના કારણે અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય નો પ્રશ્ન રદ કરીને તેમનું માઈક બંધ કરી દેતા મામલો થાળે પાડ્યો હતો.