27 જાનૈયાઓનો ભોગ લેનાર બ્રિજ પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યો છે, અકસ્માતમા બેદરકારી કોની? સીએમની 4 લાખની સહાયની જાહેરાત
મંગળવાર, 6 માર્ચ 2018 (13:54 IST)
બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રિજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 27થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે પુલ પરથી ટ્રક ખાબકી તે પુલ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો છે. પુલના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એકવાર પુલ રીપેર થયા પછી તેમાં નવી ક્ષતિઓ જણાતા વારંવાર રીપેરનું કામ ચાલુ રહેતા જીવલેણ પુલ બન્યો હતો. જેને લઇ ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ પુલ પરથી ટ્રક ચાલક ઓવરટ્રેક કરવા ગયો અને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબક્યાની પણ એક વાત બહાર આવી રહી છે. ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને તે હાલ ફરાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યાં લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં અચાનક જ કાળની થપાટે એકીસાથે 27થી વધુ જાનૈયાનો કાળનો કોળીયો બની ગયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગરના રંઘોળા માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક નિર્દોષ વ્યક્તિઓના વારસદારોને 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના આરોગ્ય અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. મૃતકોના મૃતદેહ પરિવારજનોને તાત્કાલિક સોંપવામાં આવે તથા ઘટનાની તપાસ માટે પણ મુખ્યમંત્રીએ આદેશો આપ્યા છે.