જિજ્ઞેશ મેવાણી પોતાના મતવિસ્તારમાં સેનિટરી પેડના એકમ સ્થાપશે
મંગળવાર, 6 માર્ચ 2018 (13:14 IST)
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં મહિલાઓને સસ્તા ભાવે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવાની યોજના ઘડી છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેની સાંજે જીજ્ઞેશ મેવાણીએ આ અંગે જાહેરાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ઓછામાં ઓછી કિંમતે સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની શક્યતાઓ ચકાસવામાં આવશે. જીજ્ઞેશ મેવાણી ઇચ્છે છે કે મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય. આના માટે તે નવા સેનિટરી એકમો સ્થાપશે અને આ એકમો દ્વારા મહિલાઓને સસ્તામાં સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવશે. સાબરમતી જેલ પ્રશાસને પણ જેલની અંદર જ સેનિટરી પેડનું એકમ શરૂ કરવાની યોજના બનાવી છે.જીજ્ઞેશે કહ્યું કે 7મી માર્ચના રોજ વડગામમાં સેનિટરી પેડ પ્રોજેક્ટ લૉન્ચ કરીશું
. માસિકસ્ત્રાવ સમયે સ્ત્રીઓને રિલિફ મળી રહે તે ઉદ્દેશ્યથી આ એકમ સ્થાપવાનું વિચાર્યું છે. દેશ આઝાદ થયાના કેટલાક દયકા પછી પણ ગામડામાં મહિલાઓ માસિકસ્ત્રાવ દરમિયાન ગાભાનો ઉપયોગ કરી રહી છે. બનાવવામાં આવનાર આ સેનિટરી પેડ્સ ઇકોફ્રેન્ડલી કોટનમાંથી તૈયાર કરાશે. ઉપરાંત જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે મેડિકલ એક્સપર્ટ્સની સલાહ અને મદદ સાથે સિલાઇ મશિન દ્વારા પેડ બનાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરશે અને આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે રોજગારી પણ પેદા થશે.આ આઇડિયા ક્યાંથી આવ્યો તે અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે મહિલાઓની હેલ્થની અવગણના કરવામાં આવે તેવા પિતૃપ્રધાન સિસ્ટમનો આપણે ભાગ છીએ. માસિકસ્ત્રાવ દરમિયાન મહિલાઓ સાથે આપણે ભેદભાવ કરીએ છીએં, તેમને કોઇ અડતું પણ નથી હોતું, ત્યારે મારા મતવિસ્તારની તમામ મહિલાને મદદ કરવાનો વિચાર કર્યો. મેવાણીએ કહ્યું કે તે વડગામમાં સેનિટરી પેડનું નાનું એકમ શરૂ કરીને ત્યાંની મહિલાઓને રોજગાર પણ આપશે.