ગુજરાતમાં ૨૫ લાખ ટન મગફળી ખરીદાયા વિના પડી રહી છે : ધાનાણી

શનિવાર, 3 માર્ચ 2018 (12:21 IST)
ગુજરાતમાં ચાલુ વર્ષે ૩૩ લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે.આટલા વિશાળ પાક ઉત્પાદન સામે ભાજપ સરકારે માત્ર પોણા આઠ લાખ ટન મગફળી જ ટેકાના ભાવે ખરીદી છે. રાજ્યમાં આજે ખેડૂતો પાસે ૨૫ લાખ ટન મગફળી ખરીદાયા વિનાની પડી રહી છે તેમ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કૃષિમંત્રીના નિવેદન અંગેની ચર્ચામાં જણાવ્યુ હતું. એજન્ડામાં સમાવ્યા સિવાય બાબત રજૂ થતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. અધવચ્ચેથી કૃષિમંત્રીએ અગત્યની બાબત ગણાવીને તુવેરદાળની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી

હતી. જોકે,સરકારે પણ આ ટેકનિકલ ભૂલનો સ્વિકાર કર્યો હતો. આ મુદ્દે વાંધો ઉઠાવતાં ધાનાણીએ કહ્યું કે, અધ્યક્ષે પરવાનગી આપી પણ વિપક્ષ પણ અગત્યની બાબત રજૂ કરી શકે છે.વિધાનસભાના નિયમોની મર્યાદામાં રહીને સરકાર અને વિપક્ષે ચાલવુ પડશે. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલને બે દિવસ માટે સસ્પેન્ડ કરવાના મુદ્દે તેમણે એમ જણાવ્યું કે,લોકશાહીના મંદિરમાં ભાજપ ભયનું વાતાવરણ ઉભુ કરવા માંગે છે.સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરી રહ્યુ છે. સરકાર જો મનફાવે તેવા નિર્ણયો એજન્ડા વિના લાવી શકતી હોય તો,સડી રહેલી ૨૫ લાખ મગફળીની ખરીદીનો નિર્ણય કરાયો હોત તો વિપક્ષ તેને વધાવી લેત. કેન્દ્ર સરકારે મગફળીની વધારાની ખરીદીની મંજૂરી આપ્યા છતાંય એક મણ પણ વધારાની ખરીદાઇ નથી જે સત્વરે થવી જોઇએ. આજે પોષણક્ષમ ભાવો ન મળતા ગુજરાતના ખેડૂતો પાયમાલ બન્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર