આનંદો! ગુજરાતના બેરોજગાર યુવાનોને હવે ટ્રેનિંગ સાથે ભથ્થુ મળશે

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (13:09 IST)
રાજ્યમાં સતત વધી રહેલા બેરોજગારી મુદ્દે 22 વર્ષથી સત્તામાં રહેલ ભાજપ સરકારે રાજ્યમાં બેરોજગારી ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રુ. 3000થી રુ.10000 સુધીનું માસિક ભથ્થુ અથવા સ્ટાઇપેન્ડ આપવા વિચાર કરી રહી છે. રાજ્ય સરકારના આ પગલાને શિક્ષિત  બેરોજગાર યુવાનો વચ્ચે વ્યાપેલા અસંતોષને ઓછો કરવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન દિલિપ ઠાકોરે કહ્યું કે, પહેલા વર્ષે ઓછામાં ઓછા 1 લાખ યુવાનો આ યોજનાથી લાભાન્વિત થાય તેવી અમારી ઇચ્છા છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સાથે મળીને બેરોજગાર શિક્ષિત યુવાનો અને અક્ષરજ્ઞાન ધરાવતા યુવાનોને ટેક્નિકલ અને નાણાંકીય મદદ મળી રહે તે માટે એક યોજના તૈયાર કરશે. જે અંતર્ગત પહેલા વર્ષે ઓછામાં ઓછા 1 લાખ યુવાનોને પ્રાઇવેટ સેક્ટરમાં જોબ મળી રહે તે માટે ટ્રેનિંગ દેવામાં આવશે. આગામી બજેટમાં આ માટે સરકાર ખાસ બજેટરી પ્રોવિઝન લઈને આવશે. તેમણે કહ્યું કે, કોઈપણ કંપનીમાં નોકરી લાગે ત્યારે તેના નવા એમ્પ્લોયીને ટ્રેનિંગ આપવા પાછળ તેઓ ખર્ચો કરતા જ હોય છે. જ્યારે અહીં તેમને ખૂબ જ ઓછા ખર્ચામાં તેમની કંપનીના કામને અનુરુપ વર્કફોર્સ મળી રહેશે અને યુવાનોને રોજગાર મળી રહેશે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ યોજનાને સાકાર કરવા નાણાંકીય અને ટેક્નિકલ મદદ માટે અમે કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો. જ્યારે રાજ્ય સરકાર આ યોજના માટે રુ. 350 કરોડનું ફંડ ફાળવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર