વડોદરામાં 100 જેટલા યહૂદી પરિવારો રહેતા હતા, છ દાયકા અગાઉ વડોદરામાં ક્રિકેટ, ટેબલ ટેનિસ રમતા

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (15:23 IST)
ભારત-ઇઝરાયેલ વચ્ચેની ભાઇબંધીનો નવો અધ્યાય શરૃ થયો હોવાની વાત થઇ રહી છે ત્યારે વડોદરામાં આવેલ 'ઇઝરાયેલી કબ્રસ્તાન' ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ૧૪૩ વર્ષ જુની દોસ્તીની યાદ અપાવી રહ્યુ છે. જો કે આ કબ્રસ્તાન ખંડેર થઇ ગયુ છે પણ તેનો વડોદરાની એક સંસ્થા દ્વારા ઇઝરાયેલ સાથેની દોસ્તીની સ્મૃતિ રૃપે વિકસાવવામાં આવશે અને આ સ્થાને ઇઝરાયેલી ગાર્ડન બનાવાની યોજના બનાવામાં આવી છે આ યોજનાને બેન્જામિન નેતન્યાહૂએ પણ આવકારી છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને લખિતમાં અભિનંદન પાઠવ્યા છે.

નિઝામપૂરામાં આવેલ આ કબ્રસ્તાનમાં ઇઝરાયેલી ગાર્ડન આકાર લેશે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂએ પણ આ પ્રોજેક્ટને આવકાર્યો. વડોદરાના શાસનની ધૂરા જ્યારે સર સયાજીરાવ ગાયકવાડના હાથમાં હતી ત્યારે આ શહેરમાં ૧૦૦થી વધુ બ્રિટિશ યહૂદી પરિવાર રહેતા હતા. મોટાભાગના બ્રિટિશ હૂકૂમતમાં ઓફિસરો હતાં. આ પરિવારો તરફથી મહારાજાને ખાસ યહૂદીઓ માટે જ કબ્રસ્તાન અને પ્રાર્થના ખંડ માટે જગ્યા ફાળવવા વિનંતી કરાઇ હતી અને મહારાજાએ સન ૧૮૭૫માં હાલમાં નિઝામપૂરા વિસ્તારમાં ૫૦,૦૦૦ ચોરસ ફૂટ જમીન ફાળવી આપી હતી અને તે સ્થળે 'ઇઝરાયેલ કબ્રસ્તાન' બનાવામાં આવ્યુ હતું. આ કબ્રસ્તાન આજે પણ મોજૂદ છે. પણ સમયાંતરે વડોદરામાંથી યહૂદીઓ સ્થળાંતર કરી ગયા અને દાયકાઓથી વડોદરામાં યહૂદીઓ રહેતા નહી હોવાથી આ કબ્રસ્તાન ખંડેર બની ગયુ હતું. ગત વર્ષે વડોદરા કોર્પોરેશને ઇઝરાયેલી કબ્રસ્તાનનો કબજો લીધો હતો. હવે તેનો વિકાસ વડોદરાની 'ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયેલ સંસ્થા' દ્વારા કરવામાં આવશે. આ અંગે વાત કરતા સંસ્થાના સ્થાપક નિકિતન કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે 'કબ્રસ્તાનમાં આવેલી કબરોને સંરક્ષિત રાખવામાં આવશે અને બાકીના વિસ્તારમાં ઇઝરાયેલની ઓળખ સમાન પામ, ઓલિવ જેવા વૃક્ષોનો ગાર્ડન બનાવામાં આવશે એક માહિતી કેન્દ્ર પણ હશે. આ ઉપરાંત ઇઝરાયેલના શહેર આસ્કેલોન અને વડોદરા વચ્ચે પણ ટ્વિન સિટી કરાર થયા છે તે પણ હવે આગળ વધશે' યાહૂદી ખેલાડીઓ વડોદરા શહેરનાં ખેલકૂદ ક્ષેત્રે છ દાયકા અગાઉ યોગદાન કરી ચૂક્યા છે. કુટુંબકબીલા સાથે તત્કાલીન વડોદરામાં વસતા આ યહૂદી ખેલાડીઓનો વડોદરા શહેર સાથેનો નાતો બહુ પૂરાણો છે. ગઈ સદીના ૫૦ના દાયકામાં (૧૯૫૫ની આસપાસ) પેરિસ સોલોમન અને ડેવિડ સોલોમન નામના બે બંધુઓ વડોદરાની નાની મોટી ક્રિકેટ ટીમોમાં રમતા હતા. પેરિસ સોલોમન જો કે નાની ઉંમરે ગુજરી ગયા હતા, પરંતુ તત્કાલીન વીમા કંપનીમાં અધિકારી તરીકે ફરજ બજાવતાં ડેવિડ સોલોમને બરોડા ક્રિકેટ એસોસિએશન (બી.સીએ)ની વિવિધ કામગીરીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. એડવિન જિરાડ નામના અન્ય મૂળ યહૂદી ખેલાડી શહેરની ટેબલ ટેનિસ ટીમમાં મોખરે રહ્યા હતા. તેઓ અહીં ઈજનેરીનો અભ્યાસ કરતા હતા. વડોદરાનું ફ્રેન્ડસ ઓફ ઇઝરાયલ સંગઠન બે રાષ્ટ્રો વચ્ચે ૨૨ વર્ષથી સેતુરૃપ બની રહ્યું છે. નિકિતન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શનમાં સક્રિય આ સંગઠન વડોદરાની મુલાકાત આવતા ઇઝરાયલના મહાનુભાવોના કાર્યક્રમમાં પ્રસંગોચિત મેળાવડો યોજી વડોદરાના નાગરિકો સાથે વિચારોના આદાન- પ્રદાનની વ્યવસ્થા કરે છે. એમણે સાતેક વર્ષ અગાઉ શહેરમાં ઇઝરાયલ ફિલ્મ ફેસ્ટિવલ યોજ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર