વડોદરાના સિનિયર સિટીઝન દંપતિ 18000 કિમીના મોટરસાયકલ પ્રવાસે નીકળશે

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (14:31 IST)
યુવાનોને શરમાવે તેવું સાહસ અત્રેના એક દંપતી કરવા જઈ રહ્યાં છે. વૃધ્ધ રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વનસૃષ્ટિ બચાવોના સામાજિક સંદેશ યુવા પેઢીને આપવાના ઉમદા આશયથી વડોદરાનું દંપતી તા.૧૮મીના રોજ ઉત્તર ભારત થઈ બર્મા, થાઈલેન્ડ અને કંમ્બોડિયા સુધી બુલેટ બાઈક પર ૧૮૦૦૦ કિ.મી.ના પ્રવાસે જનાર છે.

અત્રેના આર.વી.દેસાઈ રોડ ખાતે રહેતા ૭૩ વર્ષના મોહનલાલ ચૌહાણ અને તેમના ૬૬ વર્ષના પત્ની લીલાબેન અગાઉ બાઈક પર દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. અને ૬૫૦૦ કિ.મી. મોટર સાયકલ પ્રવાસ કરી દક્ષિણના હિન્દુ મંદિરોમાં જઈ દર્શન કર્યા હતા. દક્ષિણ ભારત ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, નેપાળ, સિક્કિમ, આસામ મેઘાલય, મણીપુર રાજયોનો ધાર્મિક પ્રવાસ પણ તેમણે બાઈક પર કર્યો હતો. હવે આ વૃધ્ધ દંપતી તા.૧૮મીના રોજ વડોદરા ખાતેથી તેમનો પ્રવાસ શરૃ કરી હાલોલ, ગોધરા, દાહોદ થઈ મધ્યપ્રદેશ ખાતે ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, વારાણસી પછી બિહાર, ઝારખંડ, ઓરિસ્સા થઈ મ્યાનમાર, બર્મા, થાઈલેન્ડ થઈ કંમ્બોડિયા ખાતે ૪૦૨ એકરમાં પથરાયેલા વિશાલ હિન્દુ મંદિરમાં જઈ દર્શન કરનાર છે. ધાર્મિક પ્રવાસની સાથે સાથે આજના યુવાનોમાં વનસૃષ્ટિ બચાવોના સામાજિક સંદેશો પણ પહોંચાડનાર છે. મોહનલાલ ચૌહાણે અગાઉ ગુજરાતના ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા ૨૫૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર