વડોદરાનું પ્રેમીયુગલ ન્યૂઝિલેન્ડના દરિયામાં તણાયું, પતિનું મોત પત્ની બચી ગઈ

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (10:57 IST)
એક મહિના પહેલાં જ લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ પરત ફરેલુ વડોદરાનું નવદંપતિ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે ન્યૂઝીલેન્ડના દરિયામાં તણાઇ ગયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનાના પગલે હેલિકોપ્ટર દ્વારા યુગલને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે તેમાં કમનસીબે પતિ હેમિનનું અવસાન થયું હતું જ્યારે પત્ની તનવી બચી ગઈ હતી. હાલમાં તો દરિયામાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને વડોદરા લાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ ઘટના ન્યુઝીલેન્ડમાં વાઇમારામા બીચ ઉપર બની છે. હેમિનના દોઢ વર્ષથી ન્યુઝીલેન્ડમાં જ સ્થાયી થયેલી પ્રેમિકા તનવી ભાવસાર સાથે વડોદરામાં ધામધૂમથી લગ્ન થયા હતા. 14 જાન્યુઆરીના દિવસે ન્યૂઝીલેન્ડમાં નેશનલ ડે હોવાથી હેમિન અને તનવી ન્યુઝીલેન્ડના વાઇમારામા બીચ પર ફરવા માટે ગયા હતા. આ સમયે એક વિકરાળ મોજું નવદંપતિ હેમિન અને તન્વીને ખેંચી લઈ ગયું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક પ્રશાસનને થતાં તુરંત જ હેલિકોપ્ટર બચાવ માટે પહોંચી ગયું હતું. આ બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ હેમીન બચી શક્યો ન હતો. પરિવારજનોમાંથી મળેલી માહિતી પ્રમાણે હેમિન અને તન્વી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. તેઓ સાથે ન્યૂઝીલેન્ડમાં કામ કરતા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર