ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનિતિ ઘડી કાઢી

શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (12:55 IST)
ગુજરાતમાં વિધાન-સભાની ચૂંટણી બાદ આગામી દિવસોમાં આવી રહેલી ૭૫ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ગુરુવારે યોજેલી વિશેષ બેઠકમાં રણનીતિ ઘડી હતી. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે મળેલ સંગઠનાત્મક બેઠકોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ હોદ્દેદારો તેમ જ જિલ્લા-મહાનગરના પ્રભારીઓ, પ્રમુખ/મહામંત્રીઓ અને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના ઇન્ચાર્જોની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું હતુ કે, ૨૦૧૯ લોકસભાની ચૂંટણી એ આપણા માટે અંતિમ યુદ્ધ છે. દેશની લાંબાગાળાની વિકાસયાત્રા માટે અને ભારતને વિશ્ર્વગુરુના સ્થાન પર પહોંચાડવા માટે ૨૦૧૯માં કેન્દ્રમાં ફરીથી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર બને તે અત્યંત જરૂરી છે. આગામી ૭૫ નગરપાલિકાઓ, ૦૨ જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત એ ૨૦૧૯નો પાયો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં જે બૂથો માઇનસ થયા છે ત્યાં વધુ ધ્યાન આપી આવા બૂથોને ફરીથી પ્લસમાં લાવીએ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય જીતના વિશ્ર્વાસ સાથે આપણે ફરીથી ચૂંટણી મેદાનમાં ઊતરવાનું છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપણે ફરીથી જનતા વચ્ચે જઇ આપણા કરેલા વિકાસના કાર્યો તેમ જ આગામી સ્થાનિક યોજનાઓની રૂપરેખા સાથે જનમાનસમાં આપણા કરેલા કાર્યોની સ્વીકૃતિ વધે તે માટે કાર્યરત થવાનું છે. જ્યારે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ જણાવ્યું હતુ કે, ૪૯ ટકા વોટ શેર સાથે આપણે ગુજરાતમાં સરકાર બનાવી છે. જ્યારે, બીજા અનેક રાજ્યોમાં ફક્ત ૨૮-૩૦ ટકા વોટશેર સાથે સરકારો બનતી હોય છે. ગુજરાતમાં ભાજપના જનાધારમાં વધારો થયો છે, તારીખ ૧૧, ૧૨, ૧૩ જાન્યુઆરીના રોજ આગામી સમયમાં ચૂંટણીઓમાં યોજાનાર છે ત્યાં, નિરીક્ષકો જશે. ૨. તારીખ ૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર