નીતિન પટેલ માન્યા પણ બીજા રિસાયા કેબિનેટ મંત્રીપદ ના મળે તો રાજીનામાની ધમકી

મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (15:10 IST)
આ વખતે ભાજપ માટે આગામી 5 વર્ષ કપરા ચઢાણ સાબિત થવાના છે. સરકાર બન્યા બાદ ખાતા ફાળવણીથી નીતિન પટેલ નારાજ થઈ ગયા હતા જેને બાદમના તેમની પાશેથી છીનવાયેલ ખાતું ફાળવી દેતા ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું હતું પરંતુ નીતિન પટેલ બાદ હવે ભાજપના અન્ય દિગ્ગજ નેતાને મંત્રીપદ ન મળતા નારાજ થયાના અહેવાલ સાંપડી રહ્યા છે. નીતિન પટેલ બાદ હવે ભાજપના બીજા દિગ્ગજ નેતા બાબુભાઈ બોખીરિયાએ માથું ઉંચક્યું હોવાના અહેવાલ છે.

રૂપાણી દ્વારા રચાયેલા મંત્રીમંડળમાં દિગ્ગજ નેતા બાબુભાઈ બોખિરિયાને આ વખતે કોઈ સ્થાન મળ્યું નથી. ભાજપ બોખીરિયાને વિધાનસભાના સ્પીકરપદે બેસાડવા માગે છે પણ બોખીરિયાએ પોતાને કેબિનેટ કક્ષાના મંત્રીપદથી ઓછું કંઈ ખપતું નથી તેવું સ્પષ્ટ કરી દીધું છે. હવે બાબુ બોખારીયના આ વલણથી ભાજપની મૂંઝવણમાં વધારો થયો છે. બોખીરિયાએ સ્પીકરપદે બેસવાનો ઈન્કાર કરી દીધો છે અને પોતાને કેબિનેટ મંત્રીપદ ના મળે તો ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેવાની ચીમકી પણ આપી છે. બીજી બાજુ ભાજપે 4 ડીસેમ્બર સુધીમાં સ્પીકરપદના ઉમેદવાર નક્કી કરવા પડે તેમ છે. આ સંજોગોમાં ભાજપ બોખીરિયાને મનાવવા આકાશપાતળ એક કરી રહ્યો છે પણ બોખીરિયા ન માને તો છેવટે ડો. નિમાબેન આચાર્યને સ્પીકર બનાવવાની તૈયારી રાખી છે. બાબુભાઈ બોખિરિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમણે આ વખતે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાને હરાવ્યા છે. તેઓ બહુમતીથી જીત્યા છે છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. આ પહેલા છેલ્લી રૂપાણી સરકારમાં તેઓ પાણી પુરવઠા મંત્રી હતા.આ પહેલા બાબુભાઈ બોખીરિયાનું નામ મંત્રીમંડળની યાદીમાં જોવા ન મળતાં આશ્ચર્ય ફેલાયુ હતું. બાબુભાઈની બાદબાકી બાબતે અલગ અલગ અટકળો થઈ રહી છે. તેમને મંત્રી પદેથી વંચીત રખાતા હવે વિધાનસભાનુ અધ્યક્ષ પદ કે ઉપાધ્યક્ષ પદ મળે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે પણ બોખીરિયા મંત્રીપદથી ઓછું કશું સવીકારવાના મૂડમાં નથી. બોખીરિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા લાંબા સમય બાદ પોરબંદર જિલ્લો મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વથી વંચીત થયો છે. બાબુ બોખિરીયાને આ પહેલા આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર