બનાસકાંઠાના પૂરગ્રસ્તો સરકારી સહાયના દાવામાં પીસાયા, એક અસરગ્રસ્તના આત્મવિલોપન બાદ રોષ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:11 IST)
રાજ્યમાં ભારે વરસાદથી પાયમાલ થયેલા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્તો માટે સરકારે જાહેર કરેલી સરકારી સહાય અને પેકેજ હજુ સુધી સંપૂર્ણ રીતે તેમના સુધી પહોંચ્યા નથી. યુદ્ધના ધારણે રાહત અને બચાવની કામગીરીના દાવા વચ્ચે પણ હજુ કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી પણ ઓસર્યા નથી. બીજી બાજુ સરકારી નિયમોમાં અટવાયેલી તંત્રની માયાજાળથી કંટાળેલા લોકો તંત્ર સામે રાહત અને કૅશડોલ્સની માગણી સાથે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.

ધાનેરાના અસરગ્રસ્ત દિનેશ ઠાકોરે પૂરમાં પશુ તણાઇ જતા સરકારી સહાય માટે અરજી કરી હતી, પરંતુ પુરાવાનો આગ્ર રાખતા તંત્ર દ્વારા તેની માગણી સ્વીકારી નહોતી જેથી આજીવિકા ગુમાવનારા દિનેશ ઠાકોરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મંગળવારે મોત થયું હતું. દરમિયાન બનાસકાંઠામાં સર્જાયેલી તારાજી દરમિયાન પોતાના પશુઓ ગુમાવ્યા બાદ પણ સરકારી સહાય ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ કરનારા ધાનેરાની દિનેશ વાઘજીભાઇ ઠાકોરનું આખરે સારવાર દરમિયાન મોત થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

બનાસકાંઠામાં અસરગ્રસ્તના પ્રશ્ર્ને હવે કૉંગ્રેસે પણ રાજ્યપાલને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની જાહેરાત કરી છે. બનાસકાંઠા અને પાટણમાં અસરગ્રસ્તોની હાલત અતિ દયનીય હોવાનું જાણવા મળે છે. બુધવારે પાટણના રાધનપુર તાલુકાના બંધવડ અને નાની પીપળીગામના અસરગ્રસ્તોએ સરકારી સહાયની માગણી અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવીને દેખાવો કર્યા હતા તેમ જ સહાયની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. દરમિયાન ગુજરાત વિધાનસભા કૉંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાની આગેવાનીમાં કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો તાજેતરમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર તેમ જ જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે તે અસરગ્રસ્ત વિસ્તારોના પ્રશ્ર્નો અંગે રાજ્યપાલને રાજભવન, ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને આવેદનપત્ર આપશે. ગુજરાતમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારના ખેડૂતોને ન કલ્પી શકાય તેટલું ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક સંપૂર્ણ નાશ પામ્યા છે અને જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે. સરકારે અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવી જોઈતી હતી, પરંતુ આટઆટલા દિવસો વીત્યા છતાં અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને પાકના નુકસાન પેટે કે જમીનોના થયેલા ધોવાણ બાદ જમીનોને નવસાધ્ય કરવા માટે એક પણ રૂપિયાની સહાય ચુકવવામાં આવી નથી. ભાજપની સરકારે ખેડૂતોને જમીનોમાં થયેલા નુકસાનની પૂરતી સહાય ચુકવવાના બદલે મુખ્યપ્રધાને માત્ર પાંચ હેક્ટરમાં સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાર બાદ થયેલા સરકારી આદેશ મુજબ માત્ર બે જ હેક્ટરમાં સહાય ચૂકવવાની તંત્ર દ્વારા વાત કરવામાં આવી છે અને તે પૈકી પણ કોઈ પણ જાતની સહાય હજુ સુધી ચૂકવવામાં આવી નથી.

અતિવ્ાૃષ્ટિના સમયે ખરેખર જેઓને અસર થઈ હતી તેવા અનેક પરિવારોને કૅશડોલ્સની રકમ ચૂકવાઈ નથી. ખેડૂતોને થયેલા અતિશય નુકસાનના કારણે જ ખેડૂતોના પાકવીમા છે તેને પાક વીમાની રકમ પણ હજુ સુધી મળી નથી. સ્થાનિક ગ્રામ્ય રસ્તાઓ તેમ જ ખેતરે જવાના રસ્તાઓ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિથી ભયંકર નુકસાન થયું છે, આવા રસ્તાઓને રીપેર કરવા અને પુન:નિર્માણ કરવા માટેની કોઈ કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી નથી. અનેક માલધારીઓના પશુઓ અતિવૃષ્ટિમાં તણાઈ ગયા છે, તેવા માલધારીઓને પોસ્ટમોર્ટમ થયું નથી તેમ કહીને સહાય માટેના સર્વેમાંથી વંચિત કરી દેવામાં આવ્યા છે. જે પશુઓ ખેતરોમાં અને વાડીઓમાં મૃત્યુ પામ્યા હતા તેમનું પોસ્ટમોર્ટમ કરવા કે સ્થળ નિરીક્ષણ કરવા તંત્ર દ્વારા કોઈ ચિંતા ન કરાઈ હોવાથી અનેક માલધારીઓ અને ખેડૂતો પશુ મૃત્યુ સહાયથી વંચિત રહ્યા છે. આ બધા મુદ્દાઓ અંગે માનનીય રાજ્યપાલને કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો આવેદનપત્ર આપીને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પૂરતી સહાય કરવા માટે માગણી રજૂ કરશે, એવું વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો