ધારાસભ્યો બિમાર પડે તો,રૂા.૧૫ લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (13:16 IST)
પ્રજાની સમસ્યા દૂર કરવાને બદલે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓ જાણે પોતાનો જ લાભ લેવા તત્પર રહે છે. ગત વિધાનસભામાં મંત્રી-ધારાસભ્યોના પગાર-ભથ્થાં વધારાયા હતાં.હવે જો ધારાસભ્યો બિમાર પડે તો,રૂા.૧૫ લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. બિમાર ધારાસભ્યો હવે ખાનગી હોસ્પિટલમાં ય સારવાર મેળવી શકશે.ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે અને આરોગ્ય વિભાગે ધારાસભ્યોની સારવારની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો છે. પ્રજાની મુશ્કેલી હોય તો સરકાર નાણાંની તંગી સહિતના બહાનાબાજી કરે છે પણ વિવિધ મુદ્દે આમને સામને આવતાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો જયારે વ્યક્તિગત લાભ લવાનો હોય ત્યારે સાથે મળીને ભાગબટાઇ કરે છે. તાજેતરમાં ધારાસભ્યોએ એવી રજૂઆત કરી હતીકે,સારવાર પોલીસીમાં સુધારો કરવો જોઇએ.તે આધારે સરકારે આ માંગણીનો સ્વિકાર કર્યો હતો. વર્ષ ૨૦૧૬માં જાહેર કરાયેલી પોલીસીમાં રાજ્ય આરોગ્ય વિભાગે સુધારો કર્યો છે. હવે ધારાસભ્યો અને તેમના પરિવારજનો બિમાર પડે તો,રૂા.૧૫ લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. પૂર્વ ધારાસભ્યોને ય આ પોલીસીનો લાભ મળશે.મોટાભાગના ધારાસભ્યો બિમાર થાય તો,સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાનુ ટાળે છે. આ પોલીસી મુજબ,હવે ધારાસભ્યો ખાનગી હોસ્પિટલમાં ય સારવાર લઇ શકે છે. ગત વખતે જ ભાજપ સરકારે ગુજરાતના ધારાસભ્યો,કેબિનેટ મંત્રીઓના પગારમાં વધારો કર્યો હતો.ધારાસભ્યોને મળતો રૂા.૭૦૭૦૦નો પગાર વધારીને રૂા.૧.૧૬ લાખ કરી દેવાયો હતો.આ જ પ્રમાણે,કેબિનેટ મંત્રીઓનો પગાર રૂા.૮૬૮૦૦થી વધારીને રૂા.૧.૩૨ લાખ કરી દેવાયો હતો. ધારાસભ્યો અને મંત્રીઓને મળતુ દૈનિક ભથ્થામાં ય રૂા.૨૦૦થી વધારો કરી રૂા.૧ હજાર કરી દેવાયો હતો. આમ પ્રજાના મતોથી ચૂંટાયેલાં પ્રતિનિધીઓ પ્રજાના પૈસે જ જલસા કરી રહ્યાં છે.