Gujarat Weather Rain Update - સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યારે બંધ થશે વરસાદ, કેટલા દિવસ અતિભારે વરસાદની શક્યતા?

ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (08:53 IST)
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે, અને આ તબાહી હજુ પણ આગળ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતથી લઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા હોવાથી આજે પણ મેઘરાજા કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે.


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઈટ જ્યાંથી ઉડાન ભરે છે, તે રન-વેની બોર્ડર પરની 15 ફૂટની દીવાલ સોમવારે ધરાશાયી થઈ ગઈ હતી.  એક વર્ષ પહેલાં જ નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ કેટલું નબળું કરવામાં આવ્યું છે. ધોધમાર વરસાદ વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વે પાસેની બોર્ડરની દીવાલનો મસમોટા ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને તેને કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી


 
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે. આ સિસ્ટમ 29 ઑગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ તે આગળ વધીને પાકિસ્તાન અને તેની પાસેના અરબી સમુદ્ર પર જતી રહેશે.
 
હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત પર છે ત્યાં સુધી નબળી પડે તેવી શક્યતા દેખાતી નથી. ઉપરાંત વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતા છે.
rain in saurashtra
આ સિસ્ટમ કચ્છના રાપરથી આગળ વધીને નલિયાની પાસેથી પાકિસ્તાન તરફ જશે, હાલ તેની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધી રહી છે. જેના કારણે રાજ્યમાં તેની અસર વધારે વર્તાઈ રહી છે.
 
ગુજરાતમાં વરસાદ ક્યારે બંધ થશે?
 
સિસ્ટમ મંગળવારે કચ્છ પર પહોંચી હતી અને તે પહેલાં જ તેની અસર સૌરાષ્ટ્ર તથા કચ્છ પર થવાની શરૂ થઈ હતી. જેમાં સૌથી વધારે જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર તથા કચ્છમાં વધારે વરસાદ પડ્યો હતો.
 
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હજી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનો ખતરો છે. બે દિવસ બાદ આ વિસ્તારોમાં વરસાદનું જોર ધીમું પડશે.
 
29 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને જેમ ગુજરાતથી દૂર જશે તેમ તેની અસર રાજ્ય પર ઘટવાની શરૂઆત થઈ જશે.
 
હાલની સ્થિતિ પ્રમાણે 30 ઑગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ પર વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે પરંતુ સાવ બંધ નહીં થાય, જે બાદ 31 ઑગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
 
જોકે, પૂર જેવી સ્થિતિ છે તેમાંથી 30 ઑગસ્ટથી રાહત મળવાની શરૂઆત થશે એટલે કે અત્યંત ભારે વરસાદમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ જશે.
 
જ્યારે પૂર્વ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28 ઑગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં 29 ઑગસ્ટ સુધીમાં વરસાદ ઘણો ધીમો પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
આગામી બે દિવસ સુધી ગુજરાતમાં હજી પણ અત્યંત ભારે વરસાદ પડશે અને તે બાદ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં તેનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે.
 
ગુજરાતના કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?
 
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 28 ઑગસ્ટના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જિલ્લાઓને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ તથા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
 
29 ઑગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.
 
30 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસાદ ઘટશે પરંતુ અન્ય વિસ્તારો કરતાં આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છે.
 
31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી જાય તેવી સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર