પીએમ મોદીના માતા હીરાબાએ લીધી કોરોના રસી, મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપીને દરેક નાગરીકને વેક્સિન લેવા અપીલ કરી

ગુરુવાર, 11 માર્ચ 2021 (16:42 IST)
મોદીએ પહેલી માર્ચે દિલ્હીમાં એઈમ્સ ખાતે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો
 
વડાપ્રધાન મોદીના માતા હિરાબાએ કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, મોદીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું કે તમે આસપાસના લોકોની મદદ કરો અને રસીકરણ માટે પ્રેરિત કરો. નોંધનીય છે કે આ પહેલા પીએમ મોદીએ પણ કોરોના રસી લઈને લોકોને ચોંકાવી દીધા હતા, ત્યારે આજે પીએમ મોદીના માતાએ કોરોના વેક્સિન લીધી છે.
વડાપ્રધાનની લોકોને વેક્સિન લેવા અપીલ
દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે કે જે લોકો હાલ વેક્સિન લેવા પાત્ર છે તેવા લોકોને વેક્સિનનો ડોઝ લેવા માટે મદદ અને પ્રોત્સાહિત કરવાનું કામ કરો.’
 
વડાપ્રધાને પણ રસીનો પહેલો ડોઝ લીધો હતો
 
પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી માર્ચે દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી હતી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી હતી. મોદીએ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે 'મે એઈમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર