વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં અમદાવાદ અને સાણંદની એક મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. કાર્યક્રમ અનુસાર, પીએમ મોદી બપોરે અંદાજે 2:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાં સ્થાનિક આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને થોડા રોકાણ બાદ તેઓ સીધા સાણંદ જવા રવાના થશે.
અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે બપોરે 2:55 વાગ્યે વડાપ્રધાન સાણંદ પહોંચશે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ માઇક્રોન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ સેમી કન્ડક્ટર પ્લાન્ટ છે, જેનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સાથે જ દેશમાં સત્તાવાર રીતે કોમર્શિયલ ચિપ ઉત્પાદનની શરૂઆત થશે, જે ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ સમાન છે.
આ સેમી કન્ડક્ટર પ્લાન્ટનું નિર્માણ દેશની ટેક્નોલોજીકલ પ્રગતિ માટે અત્યંત ચાવીરૂપ છે. આધુનિક AI ટેક્નોલોજી અને સ્માર્ટ ઉપકરણોમાં આ ચિપ્સનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. ભારતમાં જ સ્વદેશી ચિપનું ઉત્પાદન શરૂ થવાથી વિદેશથી થતી આયાત પરનો આધાર ઘટશે, જેનાથી ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં અને 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનને સફળ બનાવવામાં મોટી મદદ મળશે.
પ્લાન્ટના ઉદ્ઘાટન ઉપરાંત, સાણંદમાં પીએમ મોદીનો એક ભવ્ય રોડ શો પણ યોજાવા જઈ રહ્યો છે. આ રોડ શોમાં અંદાજે ૫૦ હજારથી પણ વધુ લોકોની ભીડ ઉમટી પડવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ વડાપ્રધાન મોદી સાંજે દિલ્હી પરત ફરશે.