લાપતા થયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હજી પોલીસને હાથ લાગતાં નથી

મંગળવાર, 5 જૂન 2018 (12:02 IST)
ગુજરાત પોલીસ કરોડોના બિટ કોઇન કેસના સુત્રધાર નલિન કોટડિયાને શોધી શકી નથી. રાજકીય નેતાઓની જ્યારે પણ કરોડોના કૌભાડમાં સંડોવણી આવે છે ત્યારે પોલીસ પણ આંખ આડા કાન કરતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોટડિયા સામે એક મહિના અગાઉ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી ત્યારે હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભારત ભરમાં નલિન કોટડિયાના ફોટા સાથેના પોસ્ટરો લગાડવાની કાર્યવાહી કરવામાં આવશે. કરોડોના બિટ કોઇન પ્રકરણમાં નલિન કોટડિયાની સંડોવણી બહાર આવી ત્યારે ખૂદ કોટડિયાએ વિડિયો વાઇરલ કરીને કહ્યું હતું. કે હું ક્યાંઇ છૂપાયો નથી. પોલીસ પણ બોલાવશે ત્યારે હું સામેથી હાજર થઇશ. આ પ્રમાણેના દાવા કરનાર નલિન કોટડિયાને પોલીસે અવાર નવાર સમન્સ પાઠવ્યા ત્યારે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ટીમ અવાર નવાર તેમના નિવાસ સ્થાને ધક્કા ખાઇ ચૂકી છે. કોટડિયા પણ પોલીસ સમક્ષ હાજર થયા નહી હોવાથી આખરે સીઆઇડી ક્રાઇમે તેઓ વિદેશ ભાગી ના જાય તે માટે તેમની સામે લુક આઉટ નોટિસ પાઠવી હતી. આજે એક મહિના બાદ પણ કોટડિયાને ગુજરાત પોલીસ શોધી શકી નથી ત્યારે હવે તેઓના ૫૦૦થી વધુ ફોટા સાથેના પોસ્ટરો પોલીસે તૈયાર કર્યા છે અને કોર્ટની પરમીશન મેળવ્યા બાદ આ પોસ્ટરો ભારત ભરમાં જાહેર સ્થળોએ લગાડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બિટ કોઇન કેસની તપાસમાં સીઆઈડી ક્રાઇમે કિરીટ પાલડીયાની પૂછપરછ કરી હતી જેમાં પાલડીયાએ નલીન કોટડિયાને ૬૬ લાખ રૃપિયા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, બીજીતરફ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ પણ સીઆઇડી ક્રાઇમમાં લોકો સામેના પુરાવા રજૂ કરી રહ્યા હતા. પરંતુ આ પ્રકરણમાં આરોપી તરીકે જાહેર થતાં તેઓ પણ પોલીસને થાપ આપીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીટ કોઇનની તપાસ તેજ થઇ રહી હતી, પરંતુ આ કેસના મુખ્ય સુત્રધાર એવા કોટડિયા અને શૈલેષ ભટ્ટ પોલીસને હાથ તાળીને આપીને ભાગી જતાં હવે પોલીસ તપાસ પણ દિશા વિહિન બની ગઇ છે. નલીન કોટડિયા અને શૈલેશ ભટ્ટની ધરપકડ કરવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમો પણ કામે લગાડવામાં આવી છે. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ કોટડિયા મોબાઇલનો ઉપયોગ કરતા નહી હોવાથી તેઓનું લોકેશન મળતું નથી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર