CIDએ સમન્સ પાઠવતા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ગૂમ થયાં
શનિવાર, 5 મે 2018 (14:18 IST)
બિટકોઈન કાંડે આખાય ગુજરાતમાં ચર્ચા જગાવી છે, ત્યારે ભાજપના પૂર્વ એમએલએ નલીન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી માહિતી વહેતી થઈ છે. કોટડિયાને CIDએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા નહોતા. આજે ફરી તેમને બપોરે ત્રણ વાગ્યે હાજર રહેવા માટે સમન્સ પાઠવાયું છે. જોકે, કોટડિયાનો કોઈ અતો-પતો નથી. નલીન કોટડિયાના પત્ની શ્વેતા કોટડિયાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, તેઓ શુક્રવાર સવારથી જ ક્યાંક ચાલ્યા ગયા છે, અને હજુ સુધી પરત નથી આવ્યા. મહત્વનું છે કે, કોટડિયા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ક્યાંક જતા રહ્યા છે. સુરતના બિલ્ડરના 12 કરોડ રુપિયાના બિટકોઈન અમરેલી પોલીસના PIએ જબરજસ્તી પડાવી લેવાયાના કાંડમાં કોટડિયાની સંડોવણી અંગે પહેલાથી જ અટકળો હતી.બિટકોઈન કાંડ કેસમાં CID ક્રાઈમ અત્યાર સુધી અમરેલી LCB પીઆઈ અનંત પટેલ, એસપી જગદીશ પટેલની ધરપકડ કરી ચૂકી છે, અને બંને હાલ જેલમાં છે. પોલીસે આ સમગ્ર ઘટનાનો ભોગ બનનારા સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના પાર્ટનર કિરિટ પાલડિયાની પણ ગઈ કાલે જ ધરપકડ કરવામાં આવી છે.કોટડિયાનું નામ પહેલાથી જ આ કાંડમાં ચર્ચામાં હતું. જોકે, તેમણે દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે, અને આખાય કેસમાં પોતે ક્યાંય છે જ નહીં. કોટડિયાએ થોડા દિવસ પહેલા પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતાની ખોટી રીતે સંડોવણી કરાઈ રહી હોવાથી તેમને બોલવાની ફરજ પડી છે. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, તેમને રાજકીય રીતે ફસાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.કોટડિયાએ અગાઉ એવો દાવો પણ કર્યો હતો કે, તેમને પોલીસ જ્યારે પણ બોલાવશે ત્યારે તેઓ હાજર થઈ જશે. જોકે, હાની સ્થિતિમાં તો તેમનો કોઈ અતોપતો નથી, અને તેમનો ફોન પણ તેમની પાસે નથી. એવું કહેવાય છે કે, પડાવી લેવાયેલા 12 કરોડના બિટકોઈનમાં એક હિસ્સો તેમનો પણ હતો.