અમદાવાદમાં પોલીસ કર્મચારીની પત્નીએ કહ્યું, મારા પતિએ મને રિવોલ્વર તાકીને મારી નાખવાની ધમકી આપી

બુધવાર, 27 એપ્રિલ 2022 (15:00 IST)
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા ASIના પત્ની કિંજલબાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પતિને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાથી તેમને રિવોલ્વર તાકીને મારી નાખવાની ધમકી આપે છે.

આ ઘટનાની વિગત એવી છે કે, કિંજલબા રાજદીપસિંહ ચંદ્રસિંહ ઝાલા અમદાવાદના વેજલપુર ખાતે આર.આર ત્રિવેદી સ્કૂલ પાસે રહે છે. તેઓ છેલ્લા અઢી મહિનાથી પોતાના પિયરમાં પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. કિંજલબાના લગ્ન તા. 19-01-2013ના રોજ રાજદીપસિંહ ચદ્રસિંહ ઝાલા સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ તેઓ ગાંધીનગર ખાતે રહેવા ગયા હતા. સાસરીમાં તેઓ સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા. લગ્નના 4 વર્ષ સુધી તેમને સાસરામાં સારી રીતે રાખવામાં આવ્યા હતા.

તા. 01-02-2016ના રોજ તેમના પતિને પોલીસ ખાતામાં ASI તરીકે નોકરી મળી હતી અને તેમણે જૂનાગઢ ખાતે તાલીમ પૂર્ણ કરી હતી. એપ્રિલ 2017માં તેમનું પ્રથમ પોસ્ટિંગ સાબરકાંઠા જિલ્લામાં થયું હતું અને ત્યારબાદ તેમની બદલી ગાંધીનગર જિલ્લામાં થઈ હતી. આ દરમિયાન કિંજલબાના પતિ સતત કોઈકની સાથે ફોન પર વાત કરતા રહેતા હતા અને પત્ની પર બિલકુલ ધ્યાન નહોતા આપતા. તેઓ ઘરે પણ મોડા આવતા હતા અને કિંજલબાને કોઈ વસ્તુ મગાવવાની હોય કે અન્ય કોઈ કામ હોય તો તેમના મિત્રોના નંબર પર ફોન કરવાનું કહેતા હતા. આ બાબતે કિંજલબા તેમને કંઈ કહે તો તેઓ તેમના પર ઉશ્કેરાઈ જતા હતા અને અપશબ્દો બોલતા હતા તથા તેમને માર પણ મારતા હતા. કિંજલબાએ તેમના સાસુ-સસરા તથા તેમના જેઠને આ વિશે વાત કરી તો તેમણે પણ આ વાત પર કંઈ ધ્યાન નહોતું આપ્યું. તેમને અંગત ખર્ચ માટે પૈસા પણ નહોતા આપતા. સાથે જ એમ કહેતા કે લગ્ન સમયે સમાજના માન અને મોભા પ્રમાણે દહેજ નથી આપ્યું તેથી રાજદીપને ગાડી લેવી છે અને તેના પૈસા ભરવા માટે પિયરમાંથી 50 હજાર મગાવી આપો. પોતાનો ઘર સંસાર બચાવવા માટે કિંજલબા આ બધું ચૂપચાપ સહન કરતા હતા. 

ત્રણેક વર્ષ અગાઉ એક દિવસ રાત્રે 12:00 વાગ્યા આસપાસ તેમના પતિના ફોન પર કોઈકનો ફોન આવ્યો હતો. આ ફોન કિંજલબાએ રિસીવ કરતા સામે છોકરીનો અવાજ આવ્યો હતો અને હું રાજદીપની વાઈફ બોલું છું એમ કહેતા તરત ફોન કટ કરી દીધો હતો. આ દરમિયાન તેમના પતિ જાગી ગયા અને તેમને કહ્યું કે રિટર્ન કોલ કરીને તેને જણાવ કે, હું રાજદીપની વાઈફ નથી, હું મજાક કરતી હતી. કિંજલબાએ ફોન કરવાની ના પાડતા તેમના પતિ તેમના પર ઉશ્કેરાઈ ગયા હતા અને બાજુમાં પડેલી સર્વિસ રિવોલ્વર તાકીને તેમને ફોન કરવા માટે જણાવ્યું હતું. તેમ છતાં તેમણે ના પાડી એટલે તેમની સાથે મારઝૂડ કરી હતી. સાસુ-સસરા અને જેઠને આ વાત જણાવતા તેમણે કહ્યું કે આ બધુ તો ચાલ્યા કરે અને તે પોલીસ ખાતામાં નોકરી કરે છે તેથી તું અમારુ કંઈ બગાડી ન શકે. આમ જણાવી અપશબ્દો બોલીને માનસિક ત્રાસ આપતા હતા. ત્યારબાદ તેમના જેઠ તેમને તેમના પિયરમાં મૂકી ગયા હતા અને ડિવોર્સ આપવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. આ સમગ્ર મામલે કિંજલબાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર