નરેશ પટેલે કહ્યું- પ્રશાંત કિશોર હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે

બુધવાર, 27 એપ્રિલ 2022 (14:55 IST)
રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઇ રહી છે, જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં મોકૂફ રાખવામાં આવેલી મહાસભા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે. રાજકારણમાં આવીશ તો પારદર્શક રાજનીતિ કરીશ. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી. હવે ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાવા જઈ રહી છે.

ટ્રસ્ટીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા મિત્ર છે. ગઇકાલનો તેનો નિર્ણય અંગત નિર્ણય છે. કોંગ્રેસમાં નહીં જોડાઇ તેવું કહ્યું છે, પણ મારી સાથે તેઓ હમેંશ રહેશે. હું રાજકારણમાં જોડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. સર્વે પૂર્ણ થયો નથી પરંતુ સર્વે પૂર્ણતાના આરે છે. અત્યારસુધી સર્વેમાં વડીલો મારી ચિંતા કરે છે કે, રાજકારણમાં ન જોડાવ. પરંતુ યુવાનો ઈચ્છે છે કે, હું રાજકારણમાં જોડાવ. આ મહિનાના અંતમાં હું તારીખ જાહેર કરીશ અને એ તારીખે હું મારો નિર્ણય જાહેર કરીશ, હવે જાજો સમય નહીં લઉં.નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં મહાસભાની પણ ચર્ચા થઈ હતી. પરંતુ હાલ ગરમી બહુ પડે છે એટલે લોકોને અગવડતા પડે. વાતાવરણ ઠંડુ થાય ત્યારે મહાસભા યોજવા નિર્ણય કર્યો છે.

શ્રાવણ મહિનાની આસપાસ તારીખ જાહેર કરવા નક્કી કરવામાં આવ્યું છે.નરેશ પટેલના રાજકારણના પ્રવેશ પર સૌ કોઈની મીટ છે. ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકો પર IB સહિતની એજન્સીઓની પણ નજર છે. સ્ટેટ IBના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખોડલધામ પહોંચ્યા છે. IB આજની બેઠકોમાં થતી હિલચાલને લઇ રિપોર્ટ સરકારને આપશે. ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકોમાં કોણ કોણ ઉપસ્થિત છે અને શું શું ચર્ચાઓ થઇ રહી છે તે અંગેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર