પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝગડો મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. અમદાવાદમાં આડા સંબંધ ધરાવતા પતિએ પિયર આવેલી પત્નીની જાણ બહાર જ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ પતિએ સાસરીમાં જઈને સાસુને કહ્યું હતું કે મેં બીજા લગ્ન કરી લીધાં છે અને બંને પત્નીઓને સાથે રાખીશ. આ બાબતે સાસુ અને સસરાએ તેમની દીકરીને મોકલવાનો ઈનકાર કરતાં મામલો બીચક્યો હતો અને જમાઈએ સાસુને ચાકુ હુલાવી નાંખી હત્યા કરી હતી.
પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આરોપી જમાઈ ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. આરોપી નાના-મોટા ગુનામાં સંડોવાયેલો હોવાથી તેની પત્ની રીસાઇને પિયર આવી ગઈ હતી.પોલીસ ફરિયાદ પ્રમાણે બાપુનગરમાં રહેતા 51 વર્ષીય ટીનાભાઈ રાજભર તેમના પરિવાર સાથે રહે છે અને એક કન્સ્ટ્રકશન ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. તેમની દીકરીના લગ્ન દીપુ પગી સાથે વર્ષ 2020માં થયાં હતા. દોઢેક વર્ષ સુધી તેમની દીકરી આ દીપુ સાથે રહી હતી. જમાઈ દીપુ ચોરીઓ કરતો હતો અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં રીક્ષાની ચોરીમાં પકડાયો હતો. જેથી આ દીપુના ધંધા સારા ન હોવાથી તેમની દીકરી ઘરે પરત આવી ગઈ હતી.ત્યારબાદ દીપુએ અન્ય એક છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને અવારનવાર ટીના ભાઈના ઘરે આવતો હતો. દીપુ તેની સાસુને જણાવતો કે, મેં બીજા લગ્ન કરી લીધા છે પરંતુ હું તમારી દીકરીને રાખીશ અને બીજી પત્નીને પણ રાખીશ. તમારી દીકરીને મારી સાથે મોકલો તેમ કહી ઝઘડો તકરાર કરીને જતો રહેતો હતો. ગત રવિવારના રોજ ટીનાભાઇ રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા અને બાદમાં ઘરની બહાર જમી પરવારીને બેઠા હતા તે દરમિયાન તેમની દીકરીનો પતિ દીપુ પગી તેમના ઘર પાસે દૂર ઉભો હતો અને બૂમો પાડીને કહેવા લાગ્યો હતો કે, તમારી દીકરીને મારી સાથે મોકલો. જેથી ટીનાભાઇ અને તેમની પત્ની તેની પાસે ગયા હતા અને કહ્યું કે, તે બીજા લગ્ન કરી લીધા છે. જેથી મારી દીકરીને તારી સાથે નહીં મોકલીયે આજ પછી આવતો નહીં. ટીનાભાઈએ આટલું કહેતા દીપુ આવેશમાં આવી ગયો હતો અને ટીનાભાઇ અને તેમની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ટીના ભાઈની પત્ની અને દીકરી બંને તેઓને છોડાવવા વચ્ચે પડતા દીપુ ઉશ્કેરાઈ ગયો હતો અને છરી કાઢી ટીનાભાઇને બે ઘા મારી દીધા હતા. તે વખતે ટીના ભાઈની પત્ની વચ્ચે પડતાં દિપુએ સાસુ સાવિત્રી બહેનને પણ પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ઘટના વખતે તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા દીપુ પગી ત્યાંથી ભાગી ગયો હતો.બાદમાં ટીનાભાઇ અને તેમની પત્ની સાવિત્રીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સાવિત્રીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેથી ટીના ભાઈએ આ અંગે દિપુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા મારામારી ધમકી જેવી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.