અમદાવાદમાં માનસિક બીમાર વૃદ્ધા મંદિર જવા નીકળ્યા ને ઘરનો રસ્તો ભુલી ગયાં, રસ્તા પર મારે ઘરે જવું છે એવી બુમો પાડતાં હતાં

શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (09:35 IST)
વૃદ્ધાના ગળામાં તેમના દીકરાના મોબાઈલ નંબર વાળું આઈકાર્ડ હોવાથી ઝડપથી ઘરે પહોંચાડાયા
 
અમદાવાદના શાહપુરમાં 80 વર્ષના વૃદ્ધા મંદિર જવા માટે ઘરેથી નીકળ્યા અને માનસીક બીમાર હોવાથી ઘરનો રસ્તો ભુલી ગયાં હતાં. તેથી તેઓ રસ્તા પર બેસી રહ્યાં હતાં. તેઓ રસ્તા પર મારે ઘરે જવું છે મારે ઘરે જવું છે. એવું રટણ કરતાં હતાં. આ અંગે એક નાગરીકે અભયમની ટીમને કોલ કરતાં અભયમની ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરીને તેમને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતાં. 
 
રસ્તો ભૂલ્યા હોવાનું અભયમની ટીમને જાણવા મળ્યું 
પ્રાપ્ત વિગતો પ્રમાણે શાહપુર વિસ્તારમાંથી અભયમની ટીમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એક વૃદ્ધા ભુલા પડ્યાં છે અને તેમની માનસિક સ્થિતિ સારી નથી જેથી મદદ માટે આવો. અભયમની ટીમે ત્યાં પહોંચીને વૃદ્ધાની પુછપરછ કરી ત્યારે મહિલા કંઈ જ બોલતા ન હતાં અને મારે ઘરે જવું છે તેમ કહેતા હતાં. તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાથી ઘરેથી નીકળી ગયા હોવાનું અને રસ્તો ભૂલ્યા હોવાનું અભયમની ટીમને જાણવા મળ્યું હતું. 
 
ગળામાં આઈકાર્ડ હોવાથી ઘર શોધવામાં સરળતા રહી
વૃદ્ધાને ઘરનું સરનામું પૂછતાં લક્ષ્મીનગરની ચાલી બોલતા હતાં પણ કયા એરિયામાં છે તે ખબર નહોતી. તેમને તેમના પરિવારના સભ્યોના નામ પણ ખબર નહોતી. વૃદ્ધાના ગળામાં એક આઈકાર્ડ પહેરેલું જોવા મળ્યું હતું. જ્યાં તેમના દીકરાનો મોબાઈલ નંબર મળી આવતાં જ અભયમની ટીમે દીકરાને ફોન કર્યો હતો. બાદમાં વૃદ્ધાને લઈને તેમના ઘરે ગયાં હતાં. 
 
વૃદ્ધ માતા સાથે દીકરો એકલો રહે છે
આ સમયે દીકરાએ જણાવ્યું હતું કે, માતા સાથે તે એકલો રહે છે. તેને ઓફિસથી આવવામાં મોડું થયું હોવાથી વૃદ્ધા મંદિરે જવા નીકળી ગયાં હતાં અને ઘરનો રસ્તો ભુલી ગયાં હતાં. જેથી અભયમની ટીમે દીકરાને સમજાવતાં જણાવ્યું હતું કે, વૃદ્ધાની માનસિક સ્થિતિ સારી નહી હોવાથી તેમનું ધ્યાન રાખવું અને ઘરેથી એકલા નીકળવા દેવા નહીં. આ રીતે ઘરનો રસ્તો ભટકેલા 80 વર્ષિય વૃધ્ધાને ઘરે મોકલીને અભયમની ટીમે માનવતા મહેકાવી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર