શિષ્યવૃત્તિને લઇને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય

ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (21:20 IST)
રાજ્યભરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન એફ.આર.સી. કોર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમાર દ્વારા જણાવવામાં આવ્યુ છે.
 
મંત્રી પ્રદિપભાઇ પરમારે વધુ વિગત આપતા કહ્યું હતું કે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ:૨૦૧૯-૨૦ સુધી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન-એફ.આર.સી. અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ચુકવવામાં આવતી હતી. તે જ ફી વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ ના થાય ત્યા સુધી ચુકવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 
 
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જે અભ્યાસક્રમોમાં ફી રેગ્યુલેટરી કમિટી” અસ્તિત્વમાં છે અને જેની ફી નિર્ધારણની સમય મર્યાદા વર્ષ ૨૦૨૦-૨૧ સુધી હતી પણ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફી નક્કી કરવાની બાબત હાલ કાર્યવાહી હેઠળ છે, તેવા અભ્યાસક્રમો અંતર્ગત પણ અગાઉના વર્ષમાં “ફી રેગ્યુલેટરી કમિટી” દ્વારા જે ફી નક્કી કરવામાં આવેલ હોય તેટલી જ ફી ચુકવવાની રહેશે.  જ્યારે ફી રેગ્યુલેટરી કમિટી” ફી નક્કી કરે ત્યારે તે મુજબ ફી ચૂકવાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે,  અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓને વર્ષ:૨૦૧૯-૨૦ સુધી શિષ્યવૃત્તિ ચુકવવામાં આવેલ હતી અને વર્ષ:૨૦૨૦-૨૧થી બાકીના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ ચુકવી શકાયેલ નથી. તેવા વિદ્યાર્થીઓને  શિષ્યવૃ્ત્તિ ચૂકવવાના ઉમદા હેતુથી અને વિદ્યાર્થીના વિશાળ હિતને ધ્યાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર