મહેસૂલી કર્મચારીઓ કોઇ કામ માટે પૈસા માંગતા હોય તો વિડીયો બનાવીને મોકલો તેવી અપીલ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નાગરિકોને કર્યા બાદ ત્રિવેદી ઉપર ટેલિફોનિક ફરિયાદોનો મારો શરૂ થયો છે. મહેસૂલ વિભાગમાં વચેટીયાઓ પૈસા માંગતા હોવાની વ્યાપક ફરિયાદો મંત્રીને મળી છે. ત્રિવેદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર મામલે ગૃહ વિભાગની મદદ લઇને કાર્યવાહી કરાશે. દરેક જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે યોજેલી બેઠકમાં રાજેન્દ્ર ત્રિવેદીએ મેટર રીમાન્ડ કરવાને બદલે ગુણદોષના આધારે માત્ર ત્રણ મુદ્દત બાદ સીધો નિર્ણય કરવા કલેક્ટરોને સૂચના આપી હતી. દરેક જિલ્લામાં લોકોના પ્રશ્નો અંગે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ખાસ કેમ્પ કરવા કહેવાયું છે. ઔદ્યોગિક હેતુ માટે બિનખેતીની મંજૂરી ઝડપી બનાવવા સૂચના અપાઇ છે. શહેરી વિસ્તારમાં એક વર્ષ સુધી પ્રોપર્ટી કાર્ડ મળતું નહીં હોવાની ગંભીર નોંધ લઇને રાજેન્દ્ર ત્રિવેદીએ કોઇપણ પ્રકારની ઢીલાશ નહીં ચલાવાય તેવી તાકીદ કરી હતી. રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરના તાબા હેઠળ કમિટી બનાવીને દરેક જિલ્લામાં આકસ્મિક તપાસ કરાશે. ગૌચરની જમીનોમાં દબાણ દૂર કરવા તેમજ 15 વર્ષે નવી શરતની ખેતીની જમીન સુઓમોટો જૂની શરતમાં ફેરવવાના હૂકમોનો દર મહિને રીવ્યુ કરવા સૂચના આપી છે.