Historic Dandi March- જાણો મહત્મા ગાંધીએ કેમ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

શુક્રવાર, 12 માર્ચ 2021 (09:32 IST)
ભારતની આઝાદી માટે કેટકેટલાય સત્યાગ્રહો અને આંદોલનો કરવામાં આવ્યા છે. દેશને આઝાદ કરાવવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ એટલી મોટી કુરબાની આપી છે કે તેનું ઇતિહાસમાં તો અનેરૂં સ્થાન છે જ. સાથે સાથે આજે પણ આ આંદોલનો એટલા જ પ્રેરણાદાયી છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં દેશને આઝાદ કરાવવા બે પ્રકારના આંદોલનો થયા હતાં. એક અહિંસક આંદોલન અને બીજું સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન. ભારત માટે જે ભક્તિભાવ એ જમાનામાં હતો તેટલો રાષ્ટ્રપ્રેમ અદ્વિતિય હતો.
 
લોકોમાં માતૃભૂમિની સેવાની ભાવના ઠાંસી ઠાંસીને ભરી હતી. કોઇપણ દેશની આઝાદીમાં પત્રકારો, અખબારો, ક્રાન્તિકારી અને શિક્ષકોનો મહત્ત્વનો રોલ હોય છે. પરંતુ આપણા દેશની આઝાદીમાં મીઠાનું મોટું યોગદાન રહ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે ગાંધીજીએ અનેક આંદોલનો કર્યા હતાં જેમાંનું એક આંદોલન હતું મીઠાનો સત્યાગ્રહ. જેને આપણે દાંડી યાત્રાના નામે જાણીએ છીએ. દાંડીમાં મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યાને આજે 88 વર્ષ પૂર્ણ થયા છે. મીઠાની વેચાણ કિંમત પર 2400 ટકા વેરો લદાયો હતો. અંગ્રેજ સરકારે મીઠાવાળી જગ્યાએ કાદવ મીઠુ એક કરી દીધુ હતું. પરંતુ એક સ્થાનિક કાર્યકરે મીઠા પર પાંદડા રાખીને ઢાંકી રાખેલુ મીઠું બતાવ્યું તેમાંથી ગાંધીજીએ ચપટી મીઠુ ઉપાડયું હતું. અને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.
dandi
ભારતમાં તે સમયે રાજ કરતા અંગ્રેજો મીઠાની વેચાણ કિંમત પર 2400 ટકા વેરો લાદી દેતા ગાંધીજીએ દાંડીયાત્રા યોજી હતી. અને છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ના દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. અંગ્રેજ શાસન દરમ્યાન રોજીંદી જરૂરિયાત એવા મીઠા પર અસહ્ય વેરો લદાયો હતો. સરકારી પ્રકાશન મુજબ ૧ બંગાળી મણ મીઠાનો ભાવ ૧૦ પાઈનો પડતો અને તેના ઉપર ૨૦ આના ૨૪૦ પાઈ વેરો લદાયો હતો એટલે વેંચાણ કિંમત પર ૨૪૦૦ ટકા વેરો થયો હતો. તે સમયે ભારતની માથાદીઠ  આવક એક આનો સાત પાઈ હતી. ૧૯૨૫-૨૬ના વર્ષમાં સરકારી વાર્ષિક આવકના ૧૯.૭ ટકા આવક મીઠાના કરમાંથી થઈ હતી. ગરીબ તવંગર સહિત દેશના તમામ લોકોને સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ નમક સત્યાગ્રહ કરવા એલાન કર્યું અને ૧૨ માર્ચ ૧૯૩૦ના ૭૮ સૈનિકો સાથે દાંડી યાત્રા શરૃ કરી હતી. જેમાં ૧૬ થી ૬૧ વર્ષની વયના સૈનિકો હતા. તે સમયે ગાંધીજીની વય ૬૧ વર્ષ હતી અને તેઓ સૌથી મોટી વયના સૈનિક હતા. ગાંધીજી સોમવારે મૌન પાળતા હતા. દાંડીયાત્રા દરમ્યાન ત્રણ સોમવાર આવ્યા હતા. આ ત્રણ સોમવારને બાદ કરતા 24 દિવસમાં સરેરાશ 10.5 માઈલની યાત્રા થઈ હતી. ૨૪ દિવસમાં ૨૪૧ માઈલનું અંતર કાપી પાંચમી એપ્રિલ ૧૯૩૦ના આ યાત્રા દાંડી પહોંચી હતી. જ્યાં વહેલી સવારે ગાંધીજી સહિતના સૈનિકોએ સમુહસ્નાન કર્યું હતું.
dandi
અંગ્રેજ શાસકોએ મીઠાવાળી જગ્યાએ કાદવ તથા મીઠુ એક કરી દીધા હતા. પરંતુ એક સ્થાનિક કાર્યકરે મીઠા પર પાંદડા રાખી ઢાંકી દીધુ હતું. તે બતાવતા ગાંધીજીએ તેમાંથી ચપટી ભરી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. અને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજ્યની ઈમારતના આ પાયામાં હું આથી લુણો લગાવું છું એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર