જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ, ભક્તોની ઘોડાપૂર ઉમડશે, સફારી બંધ રાખવાનો નિર્ણય

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (10:35 IST)
જૂનાગઢના ભવનાથમાં પર્વતાધિરાજ ગિરનારના સાંનિધ્યમાં દર વર્ષે યોજાતો ભક્તિમય મહાશિવરાત્રનો મેળો આ વર્ષે તા.૧૫ ફેબ્રુઆરીથી તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી યોજાશે. મહાવદ નોમથી ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે. મહાશિવરાત્રીની રાત્રીએ સાધુ-સંતોની રવેડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો સંપન્ન થશે. મેળામાં ભાવિકોને કોઇ અવગડતા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા તંત્ર વિવિધ વ્યવસ્થા, સુવિધા, આયોજન અંગે તૈયારી કરી રહ્યું છે. રવેડીના રૂટ પર શિવરાત્રીના દિવસે રોડ ઉપર ૩૫૮૦ મીટરની લોખંડની બેરીકેટ પણ કરવામાં આવશે. 
 
જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઇ ગયો છે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.  તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે. જુનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વે જ રજા પર ઉતરતા મેળાના સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મીરાંત પરીખના શિરે આવ્યો છે. 
 
લાખો ભાવિકોના આગમન અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ થશે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે. 
 
ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.
 
પોલીસ તંત્ર દ્વારા પોલીસ, હોમગાર્ડ, એસઆરપી તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ સહિત ૨ હજારથી વધુનો સ્ટાફ બંદોબસ્ત જાળવશે. આ માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને ટ્રાફિક સહિતની સમસ્યા ન રહે તે માટે પોલીસની ટીમ આયોજન કરી રહી છે. પોલીસ વિભાગ દ્વારા પાસ માટેની કામગીરી ભવનાથ ખાતે કરવામાં આવશે. મેળામાં ૨૨૩ વધારાની એસ.ટી.બસ દોડશે મેળામાં ભાવિકોને પરિવહન સગવડતા મળી રહે માટે એસ.ટી. તંત્ર દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ માટે ૫૬ મીની બસ મુકાશે. જેનું ભાડું મુસાફર દીઠ રૂ.૨૦ રહેશે. જ્યારે જૂનાગઢથી અન્ય મથકોએ જવા ૧૭૩ મોટી બસ દોડાવવામાં આવશે. જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય મેળો હોય, તમામ યાત્રિકોને સુવિધા મળે અને કોઈ મુશ્કેલી ન થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે
 
શિવરાત્રીમાં આવનાર ભાવિકો માટે વિવિધ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો
શ્રધ્ધાળુઓને કોઇ મુશ્કેલી સર્જાય તો મદદ માટે કંટ્રોલરૂમના નંબર ઉપર સંપર્ક કરી શકાશે જૂનાગઢ તા.૯ મહાશિવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યો છે. ભવનાથ શિવરાત્રીના મેળાને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા શ્રધ્ધાળુઓને કોઇ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને પુછપરછ માટે વિવિધ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. 
 
જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થા કેન્દ્ર, પોલીસ વિભાગ, ફાયર ઇમરજન્સી, ૧૦૮ ઇમરજન્સી, સિવિલ હોસ્પિટલ, ફોરેસ્ટ કંટ્રોલ, એસ.ટી. ટ્રાફિક, રેલ્વે કંટ્રોલ, શહેર ટ્રાફિક સહિતના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી કરીને શ્રધ્ધાળુઓને મેળા દરમિયાનની મુશ્કેલીમાં સહાયતા મળી શકે. ભવનાથ શિવરાત્રીના મેળાને લઇને જુદા જુદા વિભાગ/ખાતાઓ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. 
 
જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ડિઝાસ્ટરના નંબર ૦૨૮૫-૨૬૩૩૪૪૬, ૨૬૩૩૪૪૭, ૨૬૩૩૪૪૮, ફેક્સ-૨૬૩૩૪૪૯, પોલીસ વિભાગના નંબર ૧૦૦, ૦૨૮૫-૨૬૩૦૬૦૩, ૨૬૩૨૩૭૩, ફાયર ઇમરજન્સી નંબર ૧૦૧, ૦૨૮૫-૨૬૨૦૮૪૧, ૦૨૮૫-૨૬૫૪૧૦૧ મો.૯૬૨૪૭૫૩૩૩૩, ઇ.એમ.આર.આઇ ૧૦૮ ઇમરજન્સી નંબર ૧૦૮, મો.૯૯૦૯૨૧૯૧૦૮, સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી ૦૨૮૫-૨૬૫૧૪૩૬ મો.૭૫૬૭૮૮૪૬૭૪, ૯૮૨૫૨૩૭૨૦૦, સહાયતા કેન્દ્ર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, જૂનાગઢના નંબર ૦૨૮૫-૨૬૩૦૩૦૩, શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ નંબર ૦૨૮૫-૨૬૫૫૮૮૦, ૦૨૮૫-૨૬૨૫૪૫૦, ફોરેસ્ટ કંટ્રોલરૂમ નંબર ૦૨૮૫-૨૬૩૩૭૦૦, એસ.ટી. ટ્રાફિક નંબર મો.૬૪૫૯૯૧૮૫૫૪, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નંબર ૦૨૮૫-૨૬૫૩૨૭૭ મો.૭૬૯૮૭૫૧૨૪૫ અને રેલવે કંટ્રોલરૂમ નંબર ૦૨૮૫-૨૬૨૭૧૫૦ મો.૯૭૨૪૦૯૭૯૨૯ છે. શ્રધ્ધાળુઓને મેળા દરમિયાન મુશ્કેલી સર્જાય તો આ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
 
મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર