રાજકોટમાં ક્રિકેટ રમી ઘરે પરત ફરી રહેલા યુવાનનું હાર્ટએટેકથી મોત

બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (16:27 IST)
રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ત્રણ યુવાનો રમતાં રમતાં હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા છે. જે બાદ આજે ફરી એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયુ છે. જેમા ડીસાથી ભાણેજના લગ્નમાં હોવાથી બહેનના ઘરે આવ્યો હતો અને ત્યા મિત્રો સાથે તે ક્રિકેટ રમવા ગયો હતો પરંતુ કમનસીબી એ છે કે આ યુવાન બહેનના ઘરે પાછો ન ફરી શક્યો. ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં હાર્ટએટેક આવતા મોત થયુ હતુ.

મુળ ડીસાનો રહેવાસી 40 વર્ષીય ભરત બારૈયા રાજકોટ ખાતે પિતરાઈ બહેનના ઘરે લગ્ન હોવાથી ત્યા આવ્યો હતો. અને આજે સવારે તે રાજકોટના શાસ્ત્રીનગર ક્રિકેટ મેદાનમાં રમવા ગયો હતો. બાદમાં તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં હાર્ટએટેક આવ્યો હતો. તેથી તેના મિત્રોએ 108ને જાણ કરી હતી તેથી તાત્કાલિક 108ની ટીમ આવી પહોચી હતી. પરંતુ ઈએમટીએ ભરત બારૈયાને મૃત જાહેર કર્યો હતો. બાદમાં 108 દ્વારા ભરતનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ભરતના આક્સમિક મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. ત્યારે સ્ટ્રેચર પર મુકેલ ભરતના મૃતદેહને ભેટી સાસુએ ખૂબ આક્રંદ કર્યુ હતુ. અને મોઢાથી શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો પણ કોઈ પ્રતિક્રિયા મળતી નહતી. તેથી ઈએમટીએ ભરત બારૈયાને મૃત જાહેર કર્યો હતો. અને 108 દ્વારા ભરતનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર