ગુજરાતમાં ભૂકંપ : ક્યાંક પોપડા પડ્યા, ક્યાંક લોકો ઘર બહાર દોડ્યા

સોમવાર, 15 જૂન 2020 (00:31 IST)
ગુજરાતના કેટલાક પ્રાંતોમાં રાત્રે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આંચકા અનુભવાયા હતા અને અનેક જગ્યાઓએ લોકો ઘરો છોડીને બહાર આવી ગયા હતા. રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટ, કચ્છ, પાટણ ઉપરાંત વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
 
ભૂકંપના આંચકા બાદ રાજકોટમાં લોકો બહાર આવ્યા રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે હજી સુધી કોઈ જાનમાલના નુકસાનની વિગતો નથી.
 
તેમણે એવું પણ કહ્યું છે કે રાજ્યમાં વર્ષો પછી આંચકો આવ્યો છે. વર્ષ 2001 જેટલી તીવ્રતાનો નથી.
 
આ મામલે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગને ઍલર્ટ કરી દેવામાં આવ્યો છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી જણાવે છે કે 5.5 મૅગ્નિટ્યુડનો ભૂકંપ નોંધાયો હતો.
 
કચ્છમાં ઘરોમાં તિરાડો પડી
 
ભૂકંપનો આંચકો અનુભવાયો ત્યારે કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો.
 
ભૂકંપના ઝાટકા બાદ કચ્છના ભચાઉના કેટલાંક મકાનોમાં તિરાડો પડી હતી, તો ક્યાંક-ક્યાંક ઘરોની છતમાંથી પોપડા તૂટી પડ્યા હતા.
 
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કેટલાંક મકાનોમાં તિરાડો પડી હોવાની વિગતો મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર