૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદથી પાકને નુકશાન : વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર જાહેર કરાયા

શુક્રવાર, 1 નવેમ્બર 2019 (16:48 IST)
રાજ્યના ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં છેલ્લા ૩ દિવસમાં ૧ ઇંચ થી વધુ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી સર્વે કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સૂચનાઓ આપી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે આ અંગેની વિગતો પત્રકારોને આપતાં જણાવ્યું કે, આ નુકસાની સંદર્ભમાં બે તબક્કે સરવેની પ્રક્રિયા હાથ ધરાશે.તદનુસાર જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે તે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. આ માટે વીમા કંપનીઓ ના ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
 
તેમણે કહ્યું કે, આવી ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે અને નુકસાની સહાય ધારા ધોરણો મુજબ ચૂકવાશે. પી.કે.પરમારે કહ્યું કે, મુખ્યમંત્રીએ એવી પણ સૂચનાઓ આપી છે કે, જે ખેડૂતોએ પાક વિમો ઉતરાવ્યો નથી તેવા ખેડૂતોના કિસ્સામાં રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ આજથી જ નુકસાનીના સર્વેનું કામ શરૂ કરી દેશે અને નુકસાન અંદાજ મેળવ્યા બાદ એસ.ડી.આર.એફ.ના નિયમોનુસાર સહાય ચૂકવાશે.
 
કૃષિ અધિક મુખ્ય સચિવે જે ૧૮ જિલ્લાના ૪૪  તાલુકાઓમાં એક ઇંચ થી વધુ વરસાદ થયો છે તેની વિગતો આપતા કહ્યું કે, આ વરસાદથી ખાસ કરીને  ડાંગર કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે. જે ૪૪ તાલુકાઓમાં વરસાદ થયો છે તેમાં સુરેન્દ્રનગરના ૭, ખેડાના ૫, ભરૂચના ૪, મોરબીના ૪, અમદાવાદ-આણંદ-નર્મદાના ૩-૩, અરવલ્લી-નવસારી-રાજકોટ અને વડોદરાના ૨-૨ તેમજ અમરેલી છોટાઉદેપુર-ગાંધીનગર-જામનગર-જૂનાગઢ-કચ્છ અને વલસાડના ૧-૧ તાલુકાઓનો સમાવેશ થાય છે.
 
પી.કે.પરમારે એમ પણ કહ્યું કે, જે ખેડૂતોએ વિમો ઉતરાવ્યો  છે તેમણે ૭૨ કલાકમાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની હોય છે અને ત્યાર બાદ ૧૦ દિવસમાં વીમા કંપની દ્વારા સર્વેની 
કામગીરી હાથ ધરાતી  હોય છે. રાજ્યમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના અન્વયે જે વીમા કંપનીઓ એ ટોલ ફ્રી નંબર જિલ્લા વાઇઝ જાહેર કર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર