ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તડામારી તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, કોંગેસ અને આપ સહિત તમામ પક્ષોએ પોતાના મૂરતિયાઓના નામ જાહેર કરી છે. આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહા નગરપાલિકાની ચૂંટણી યોજાવવની છે. જેને લઇને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. અમદાવાદ શહેરમાં 192 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા છે. ત્યારે . અમદાવાદ મહા નગરપાલિકાની ચૂંટણીમાં કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજીએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ પહેલાં પણ તેઓ ત્રણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે તેમજ જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી ચૂંટણી લડતા રહેવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદના સરસપૂર્ણ બોમ્બે હાઉસિંગમાં રહેતા નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજી નામના કિન્નરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષમાંથી સરસપુર રખિયાલ વૉર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાનું ચૂંટણી ચિહન બંગડીનું રાખ્યું છે. કિન્નર રાજુ માતાજીએ પોતાના વિસ્તારની સમસ્યા અને લોકોની સેવા કરવાના હેતુથી ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા અને લોકસભામાં પણ તેમણે ઉમેદવારી નોંધાવી હતી.
આ પહેલાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1706 મત મળ્યા હતા, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં 2,303 અને લોકસભા ચૂંટણીમાં 2,571 મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં પણ જંગી મત મળશે અને જીત મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજુ માતાજીએ જણાવ્યું હતું કે સરસપુર અને એની આસપાસ સ્લમ વિસ્તાર આવેલો છે. અહી અનેક સમસ્યાઓ છે. પ્રતિનિધિઓ ચૂંટાયા બાદ વચનો પુરા કરતા નથી. જો હું ચૂંટાઇ તો સ્લમ વિસ્તારની પાયાની જરૂરિયાતોને પુરી કરીશ. મને ઉમેદવારી પત્ર ખેંચવા માટે લાલચ સૂંધા આપવામાં આવી છે. પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહીશ. અન્ય લોકોએ પણ મને કિન્નર હોવાને કારણે અનેક સવાલો કર્યા હતા છતાં લોકોને જવાબ પણ આપ્યા હતા. જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી લડીશ.