શીતલહેર: 7 દિવસમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, હજુ ઠંડી પડશે, ગુરૂવારે રાત્રે સીઝનની સૌથી વધુ ઠંડી

શનિવાર, 19 ડિસેમ્બર 2020 (08:48 IST)
શહેરમાં હવામાનનું સૌથી ન્યૂનતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધવામાં આવ્યું. 11 તથા 12 ડિસેમ્બરના રોજ પડેલા કમોસમી વરસાદ બાદ ધીમે ધીમે ઠંડી વધવા લાગી. ગત સાત દિવસમાં ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી ઘટ્યું છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી લાગે છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે મહત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો, જ્યારે ન્યૂનતમ તાપમાનમા6 1.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 
 
હવામાન વિભાગના અનુસાર શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે ભેજ 96 ટકા અને સાંજે 71 ટકા હતો. ઉત્તર પૂર્વ દિશાથી 6 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. હિમાલયથી બર્ફીલી હવાઓની અસર જોવા મળશે. શનિવારે ન્યૂનતમ તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. 
 
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં કોલ્ડવેવ રહેશે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલું જ નહીં, આગામી બે દિવસ પછી રાજ્યનું તાપમાન ઉંચકાશે. જેના કારણે ઠંડીમાં નજીવો ઘટાડો થશે. રાજ્યમાં કમોસમી વરસાદ પછી છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. અચાનક લધુત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું ઘટી ગયું છે. બે દિવસથી અમદાવાદનું તાપમાન પણ સતત ગગડી રહ્યું છે. મંગળવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી નોંધાયું હતું જે ચાર દિવસમાં 4 ડિગ્રી જેટલું ગગડ્યું છે.
 
ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષાના પગલે ઠંડા પવનથી કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. નલિયામાં મહતમ 25.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ 2.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં મહતમ 25.7 ડિગ્રી તેમજ લઘુતમ 9 ડિગ્રી, ભુજમાં મહતમ 26.2 ડિગ્રી તેમજ લઘુતમ 10.2 ડિગ્રી અને કંડલા પોર્ટમાં મહતમ 25.1 અને લઘુતમ તાપમાન 12.5 નોંધાયું હતું.
 
નલિયામાં ગત 10 વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક જ દિવસમાં ઠંડીનો પારો 6 ડિગ્રી ઘટીને 2.5 ડિગ્રી થયો હતો. આ પહેલા 28 ડિસેમ્બર 2013ના રોજ 2.6 ડિગ્રી, 15 ડિસેમ્બર 2015ના રોજ 2.6 ડિગ્રી, 11 ડિસેમ્બરના રોજ 2010 3.2 ડિગ્રી, 25 ડિસેમ્બર 2011ના રોજ 3.2 ડિગ્રી, 28 ડિસેમ્બર 2019ના રોજ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 
જ્યારે બીજી તરફ અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા છે. લોકો શહેરના ગાર્ડન, રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક માટે પહોંચ્યા છે. રિવરફ્રન્ટ પર વોકિંગ સાથે સાઇક્લિંગ, સ્કેટિંગનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય લોકો યોગ કરતા પણ જોવા મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર