બદનક્ષી કેસમાં સેશન્સ કોર્ટે રાહત ન આપી હવે કેજરીવાલ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

સોમવાર, 7 ઑગસ્ટ 2023 (15:43 IST)
ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના મુદ્દાના કેસ પર 31 માર્ચ, 2023એ ચુકાદો આપતા પૂર્ણ વિરામ મૂક્યું હતું અને ફરિયાદીને ડીગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલ, 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાનની ડીગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. તે બાબત ટ્વીટર હેન્ડલ પર પણ મુકવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલના રોજ સંજય સિંઘે પણ વડાપ્રધાનની ડીગ્રીને લઈને પ્રેસ કરી હતી. તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો છે. યુનિવર્સિટી વતી કુલ સચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ સામે સમન્સ નીકળ્યું હતું.

અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જે મુદ્દે મેટ્રો કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને નોટીસ આપી હતી. આ મુદ્દે સેશન્સ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. હવે અરવિંદ કેજરીવાલ હાઇકોર્ટ જશે.મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલને 11 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. જો કે, અરવિંદ કેજરીવાલના વકીલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં આવા કેસમાં આરોપીએ ઉપસ્થિત રહેવું જરૂરી નથી તેવી દલીલ કરી હતી. 11 ઓગસ્ટ પહેલા અરવિંદ કેજરીવાલ હાઇકોર્ટમાં સેશન્સના આ ચુકાદાને પડકારે તેવી શકયતા છે. જો કે કેજરીવાલ 11 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત નહીં રહે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર