કાંકરિયા દુર્ધટનામાં 6 આરોપીની અટકાયત, સવાલો અનેક પોલીસનો જવાબ એક

મંગળવાર, 16 જુલાઈ 2019 (14:14 IST)
કાંકરિયા એડવેન્ચરપાર્ક ખાતે બનેલી ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા અને અંતે પોલીસે છ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પરંતુ સવાલ એ છે કે, શુ જવાબદારી માત્ર છ લોકોની જ છે કે, પછી એવા તંત્રની કે જેની પાસે આવી એડવેન્ચર રાઇડ્સનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવાની કોઈ સત્તા જ નથી. બે માસૂમના મોત માટે સંચાલકો જવાબદાર કે સરકારી તંત્રએ સૌથી મોટો સવાલ છે. 
અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલી એડવેન્ચરપાર્કની ડીસ્કવરી રાઇડ તૂટી પડતા બે નિર્દોષોના મોત થયા છે. રાઇડમાં અકસ્માત સર્જાતા વિપક્ષે સરકાર અને કોર્પોરેશનની બેદરકારી ગણાવી, તો બીજી તરફ સરકારે તપાસના આદેશ આપતા જ પોલીસે એફએસએલ રિપોર્ટની રાહ જોયા વિના ગુનો નોંધી બેદરકારી દાખવનાર માલિક ઘનશ્યામ પટેલ, પુત્ર ભાવેશ પટેલ, મેનેજર તુષાર ચોક્સી, રાઈડ ઓપરેટર યશ પટેલ અને કિશન મહંતી અને મનિષ વાઘેલાની ધરપકડ કરી છે. પરંતુ એડવેન્ચર પાર્ક ચલાવવા માટે જરૂરી તમામ સર્ટીફીકેટ રજૂ કર્યા છે. જેથી પ્રાથમિક રીતે તેઓ દોષિત સાબિત નથી થતા. 
પરંતુ કાયદાની કલમ હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો અને તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધાયા બાદ તપાસ કરતા સામે આવ્યુ કે, રાઈડ્સ ચલાવવા માટે તમામ સર્ટીફિકેટ આપ્યા છે. પરંતુ કોર્પોરેશન પાસે એવો કોઈ વિભાગ જ નથી કે, જે ખાનગી સંસ્થા દ્વારા આપેલા સર્ટિફિકેટની ક્રોસ તપાસ કરી શકે માટે, જે સર્ટિફિકેટ સંચાલક રજૂ કરે તેને સાચુ માની લેવામા આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આખરે કોર્પોરેશન, આર.એન્ડ.બી તથા અન્ય વિભાગો માત્ર એક જ વખત તપાસ કરીને સંતોષ કેમ માની લે છે. કારણ કે, રાઈડ્સ શરૂ કરતા પહેલા આ મહિનાનું પણ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું. જેમા રાઈડ્સની તમામ ચકાસણી થઈ હોવાનુ સામે આવ્યુ છે. તો આખરે બનાવ બન્યો કેમ.? અને બેદરકારી કોની છે. ?? કોણે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું? તેના પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. 
જેને લઇ પોલીસ આરએન્ડબી અને કોર્પોરેશન અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. જેમાં ફિટનેશ સર્ટીફિટેક આપનાર સામે કાર્યવાહી થઇ શકે છે.આ ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસની તપાસમા કોઈપણ દસ્તાવેજી પુરાવા સામે આવ્યા નથી. અને 6 લોકો સામે ગુનો નોંધી ધરપકડ પણ કરી લેવામા આવી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, શુ માત્ર સંચાલકોનો જ વાંક છે કે, પછી એવુ તંત્ર કે જેની પાસે એવો કોઈ વિભાગ જ નથી. કે જે આવી રાઈડ્સ ની યાંત્રિક તપાસ કરી શકે. તો પછી શા માટે આવા તંત્રના અધિકારીઓને આરોપી બનાવવામાં નથી આવતા. શા માટે સત્તાધીશો સામે કોઈ પગલા નથી લેવાતા. સવાલ તો ઘણા છે, પરંતુ જવાબ માત્ર એક કે તપાસ ચાલુ છે. બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન દોષનો ટોપલો પોલીસ વિભાગ પર નાખી દીધો છે. અને પોલીસ તપાસ કરી રહ્યા હોવાનુ રટણ રટી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર