લોકોને વિકાસ જોઇતો હોય તો મોંઘવારી સહન કરવી પડે : ભાજપના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી

બુધવાર, 23 મે 2018 (13:17 IST)
પેટ્રોલ-ડીઝલનો ભાવ કૂદકેને ભૂસકે વધતા નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એપ કહીને ભાંગરો વાટયો છે કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો વ્યાજબી છે અને વડાપ્રધાનના વિકાસના કામો કરવામાં ભાવવધારો થાય તેમાં ખોટું કંઇ જ નથી. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠનની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ જીતુ વાઘાણીને પેટ્રોલ-ડીઝલના અત્યંત ઊંચા ભાવે પહોંચવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બિફકરાઇથી એવો જવાબ આપ્યો હતો કે, 'વિકાસ માટે ભાવવધારો જરૃરી છે. રોજના ૨૨ કિલોમીટરના રોડ બનાવવા પાછળ જ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. આ ભાવ વધારો વ્યાજબી જ છે.

વિકાસની ગાડી પુરપાટ દોડી રહી છે ત્યારે પ્રજાએ ભાવવધારો, મોંઘવારી જેવા પ્રશ્નોના મુદ્દે પીડાવું પડે તો નવાઇ નહીં. ' ઉલ્લેખનીય છે કે, પેટ્રોલનો ભાવ મંગળવારે મુંબઇમાં રૃ. ૮૪.૬૬ સુધી પહોંચી ગયો છે. ભારતમાં પેટ્રોલના ભાવ આટલી ઊંચી સપાટીએ પહોંચ્યા હોય તેવું પ્રથમવાર બન્યું છે. જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આજની બેઠકમાં પાટણ જિલ્લાના ભાજપ સમિતિના હોદ્દેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, 'હાર્દિક પટેલ કોંગ્રેસના પૈસા તાગડધીન્ના કરે છે અને તેના જેવા પીઠુઓને જવાબ આપવાની કોઇ જ જરૃર નથી. પાટીદાર સમાજની ચર્ચા માટે અનેક પ્રમાણિક આગેવાનો બેઠા છે. રાજકોટના શાપર નજીક થયેલી દલિત યુવાનની ઘટનામાં પીડિત પરિવારને તાકીદે ન્યાય મળે તેવા સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર