ભાજપની હેટ્રિક અટકવાનો અફસોસ છે પણ ગેનીબેનની જીત મોટી જીત ના કહેવાયઃ વિજય રૂપાણી

મંગળવાર, 4 જૂન 2024 (17:36 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાથી જ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સક્રિય થઈ ગયાં હતાં. ગેનીબેને ગામડે ગામડે ફરીને પ્રચાર કર્યો હતો. જ્યારે ભાજપમાંથી રેખાબેન ચૌધરીએ પણ સખત મહેનત કરી હતી. રાજ્યમાં છેલ્લી બે ટર્મથી ભાજપ ક્લિન સ્વીપ કરતો આવ્યો છે.કોંગ્રેસના સૂપડા સાફ થતાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. ત્યારે આ વખતની લોકસભામાં પાંચ લાખની લીડથી તમામ 26 બેઠકો પર હેટ્રિક સાથે જીતવાનો ભાજપે ટાર્ગેટ મુક્યો હતો. જે આ વખતે ગેનીબેને પૂરો થવા નથી દીધો. ગુજરાતમાં ભાજપ અને ગેનીબેનની જીતને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, ગેનીબેનની જીત મોટી જીત ના કહેવાય. નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યાં છે. 
 
ભાજપની હેટ્રિક અટકી તેનો અમને અફસોસ છે
આ અંગે નિવેદન આપતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, હજુ મત ગણતરી ચાલી રહી છે અને દિવસના અંતે NDAને 300થી વધુ બેઠકો મળશે. આથી ત્રીજી વખત ભાજપની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નક્કી છે. ગેનીબેન ઠાકોરની જીત વિશે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ભાજપના હાથમાંથી હેટ્રિક સરકી ગઈ છે તેમ કહીએ તો ખોટું નથી. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર 15 થી 20 હજાર મતથી જ જીત્યા છે. આ કોઈ મોટી જીત ના કહેવાય. જો કે ભાજપની હેટ્રિક અટકી તેનો અમને અફસોસ છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને ધાર્યા કરતાં ઓછી બેઠકો મળી છે. જેનું કારણ વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળશે.
 
અમારો ટાર્ગેટ 14-15 સીટ પર 5 લાખની લીડ આવે એ ઓછો પડ્યો
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજકોટની ઘટના બની છે એ ઘટનાના દુઃખ સાથે આ લોકસભાના પરિણામને વધાવીએ છીએ. કાર્યકર્તાથી માંડીને લોકોમાં જે વિશ્વાસ હતો એના આધારે 26 સીટ જીતવાનો વિશ્વાસ હતો પણ 1 સીટ અમે ગુમાવી છે. જે પણ કચાશ હશે, તકલીફ હશે એ દૂર કરી ગુજરાતને વિકાસની જે ગતિ છે એના કરતાં વધારે ગતિથી આગળ વધીશું.સી.આર.પાટીલે લીડ ઓછી આવવા અંગે જણાવ્યું કે, અમારો ટાર્ગેટ 14-15 સીટ પર 5 લાખની લીડ આવે એ ઓછો પડ્યો છે. અમારી ભૂલ શોધી એને સુધારવાનો પ્રયત્ન કરીશું. જ્યારે નીતિશ કુમારને ઈન્ડીયા ગઠબંધને ડેપ્યુટી પીએમ બનવાની ઓફર અંગે કહ્યું કે, અમે ગુજરાતમાં રાજકારણ કરીએ છીએ. કોણ શું ઓફર કરે એ ખબર નથી. ઘણાં લોકોએ ઘણી પાર્ટીનો સંપર્ક કર્યો છે. એકલા એ તો કંઈ નહીં કરી શકે. નીતિશ કુમાર બહુ સિનિયર છે. ત્યાંના રાજકારણ વિશે કોમેન્ટ નથી કરવી પણ એટલું ચોક્કસ કહીશ કે મોદીની સરકાર બનશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર