Corona India Update - દેશમાં 58 દિવસમાં સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ, 3380 દર્દીઓએ જીવ ગુમાવ્યો

શનિવાર, 5 જૂન 2021 (11:43 IST)
કોરોના વાયરસ સામેની જંગમા ભારત વિજય કૂચ કરી રહ્યું હોય તેવું લાગે છે. દેશમાં જૂન હવે હાશકારો આપી રહ્યુ છે. કારણ કે લગભગ બે મહિના પછી કોરોનાના નવા કેસોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના આશરે 1.20 લાખ નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 58 દિવસમાં સૌથી ઓછા છે. આ રીતે, સતત નવમા દિવસે, કોરોનાના દૈનિક નવા કેસ બે લાખ કરતા ઓછા થયા છે.
 
આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોમાં 80 હજાર 740 નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ સાથે, 1,97,894 લોકો પણ આ સમયગાળા દરમિયાન કોરોનાથી સાજા થયા છે. આ રીતે, છેલ્લા સતત 23 દિવસથી, સાજા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓની સંખ્યા કરતા વધુ છે. દેશના કુલ 2.67 કરોડ લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે. 
 
સાથે જ જ્યારે મૃત્યુની વાત આવે છે, ત્યારે આ મામલે ચિંતા કાયમ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 3380 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ રીતે, દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક વધીને 3,44,082 થઈ ગઈ છે. સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે અને તે 15,55,248 પર આવી ગયા છે.
 
દેશમાં  ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સાથે જ  સંક્રમણના  કુલ કેસો 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા છે. દેશમાં 19 ડિસેમ્બરના રોજ આ મામલા  એક કરોડને વટાવી ગયા અને 4 મેના રોજ બે કરોડને પાર થઈ ગયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર