વડોદરામાં સ્કૂલવાનનો અચાનક દરવાજો ખૂલ્યો ને બે વિદ્યાર્થીનીઓ રોડ પર પટકાઈઃ જુઓ વીડિયો

શુક્રવાર, 21 જૂન 2024 (19:07 IST)
school van
રાજકોટની ઘટના બાદ તંત્રએ સ્કૂલ વાન ચાલકો સામે સકંજો કસ્યો હતો અને ત્યાર બાદ સ્કૂલ વર્ધીની હડતાળ શરૂ થઈ ગઈ હતી.આ હડતાળ હજી તો સમેટાઈ છે ત્યાં વડોદરામાં એક સ્કૂલવાનમાં બેઠેલી બે બાળકીઓ નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેને પગલે પોલીસ તંત્ર અને RTO તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ શિક્ષણમંત્રી પ્રફૂલ્લ પાનસેરિયા કહી રહ્યાં છે કે, મેં ટીવીમાં જોયું કે, દીકરીઓ પડી છે પણ વાગ્યું નથી. તે માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. 

 
વડોદરા પોલીસ તંત્ર અને RTO દોડતુ થઈ ગયું
વડોદરા શહેરના તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થયેલી સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીઓ સ્કૂલેથી ઘરે જવા પરત જઈ રહી હતી તે સમયે ચાલુ સ્કૂલ વાનમાંથી મનાલી અને કેશવી નામની બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ હતી. આ સમયે આસપાસના લોકો બંને વિદ્યાર્થીનીઓને ઘરે લઈ ગયા હતા અને બંને બાળકીઓની ત્યાં બેસાડીને સારવાર કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 19 જૂનના રોજ બનેલી આ ઘટનાનો આજે વીડિયો સામે આવતા વડોદરા પોલીસ તંત્ર અને RTO દોડતુ થઈ ગયું છે અને સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી છે. 
 
વાન થોડી ઓછી સ્પીડમાં હોત તો બાળકીઓને વાગ્યુ ન હોત
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે,અમે લોકો અહીં બેઠા હતા તે સમયે સ્કૂલ વાનનો દરવાજો અચાનક ખુલી ગયો હતો અને બંને વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ ગઈ હતી. બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી અમે બંનેને હીંચકા પર બેસાડી હતી. બંનેને અમે દવા કરાવી હતી.ત્યારબાદ વાનમાં બેસાડીને પરત મોકલી હતી. વાન થોડી ઓછી સ્પીડમાં હોત તો બાળકીઓને વાગ્યુ ન હોત. અમારી આંખ સામે જ વાનનો દરવાજો ખુલી ગયો હતો અને બાળકીઓ નીચે પટકાઈ હતી. વાહન ચાલક થોડી સ્પીડમાં જતો હતો. બાળકીઓ પણ થોડી ગભરાઈ ગઈ હતી. અમે વાહન ચાલકને પણ કહ્યું કે, ધ્યાન રાખવું જોઇએ. 
 
શિક્ષણમંત્રીએ કહ્યું દીકરીઓ પડી છે પરંતુ વાગ્યું નથી
RTO ઇન્સ્પેક્ટર એસપી સુથારે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં અમે તપાસ કરી રહ્યા છીએ. વાન ચાલકનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે. જ્યારે પીઆઇ પીડી પવારે જણાવ્યું હતું કે, હું હાલ અહીં જોવા માટે આવ્યો છે. કેમેરામાં ગાડી નંબર જોઇ તેનો માલિક કોણ છે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ મીડિયાના સવાલોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના છે દીકરીઓ પડી છે પરંતુ વાગ્યું નથી. તે માટે અમે ભગવાનનો આભાર માનીએ છે. દરેક વાલીને વિનંતી કરું છું કે, જે વાન કે રિક્ષામાં બાળકો જાય છે તે વાન કે રિક્ષા જ નહીં પરંતુ, ડ્રાઇવરનું પણ ચેકિંગ થવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર