સુરતમાં નશામાં ચકચૂર થઈ ઓડી કાર લઈને નીકળેલા નબીરાએ 10 બાઈકને ટક્કર મારી

શુક્રવાર, 12 જુલાઈ 2024 (15:22 IST)
hit and run
 અમદાવાદમાં વિસ્મય અને તથ્ય પટેલ જેવા નબીરાઓના હીટ એન્ડ રનના કેસની ચર્ચાઓ હજી ચાલી રહી છે. ત્યારે સુરતમા ગઈકાલે રાત્રે વધુ એક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં વેસુ રોડ પર નબીરો નશામાં ઓડી કારને બેફામ ગતીએ દોડાવતો હતો અને 10 જેટલા વાહનોને ટક્કર મારી હતી. જેમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી.જેમાં બે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બન્નેની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી.લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો.
 
દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ગત મોડી રાત્રે જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. 
 
કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો
આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર