ગુજરાતમાં 48 કલાકમાં 56ની આત્મહત્યા,દર કલાકે એક વ્યક્તિએ જિંદગી ટૂંકાવી

શુક્રવાર, 12 જુલાઈ 2024 (12:09 IST)
21મી સદીમાં સુવિધાઓ ખૂબ વધી છે પણ સામે પડકારો પણ એટલા જ ઉભા થયા છે. ખાસ કરીને આર્થિક અને સામાજિક સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમા પણ યુવાઓ સામે સૌથી વધુ બેરોજગારીની સમસ્યા મોં ફાડીને ઉભી છે. જેને પગલે છેલ્લા થોડા સમયથી આત્મહત્યાનું પ્રમાણ વધવા લાગ્યું છે. જો કે અત્યાર સુધી તો સામાન્ય લાગતી આત્મહત્યાની ઘટનાઓ હવે ગંભીર બની ચૂકી છે.

ગત 9 અને 10 જુલાઈના રોજ રાજ્યના 16 શહેર-જિલ્લામાં 55 લોકોએ જિંદગી ટૂંકાવી લીધી છે. આમ આ 48 કલાકમાં જ 56 લોકોએ આતહત્યા કરી લેતા, તેની રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે. આ આત્મહત્યાઓ પાછળ મોટા ભાગે આર્થિક અને સામાજિક પરિબળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. આ ચારેય મૃતદેહની ભાણવડ પોલીસે ઓળખ કરી હતી. પરિવારના મોભીનું નામ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42), તેમનાં પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42), તેમનો પુત્ર જિજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18)છે. જામનગરમાં રહેતા આ પરિવારના ચાર સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર હાલારને હચમચાવી નાખ્યું છે. બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહીર પરિવારના મોભી પર ખૂબ જ દેવું થઈ જતાં અને આ દેવા સામે ખૂબ જ આર્થિક સંકડામણ અનુભવતા અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ગત 9 જુલાઈના રોજ અમદાવાદ શહેરના સાઉથ બોપલની ન્યૂ સાઉથ વિન્ડ્સ સોસાયટીમાં નવ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. 32 વર્ષીય ડિમ્પલ જોબનપુત્રાએ લગ્નના માત્ર બે દિવસ બાદ એટલે કે અષાઢી બીજે(7 જુલાઈ, 2024)7લગ્ન કર્યા અને 9 જુલાઈની સાંજે 6 વાગ્યે તેના ફ્લેટની બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા મોં ટેપથી બંધ કરીને પડતું મૂક્યું હતું.

ગઈકાલે અમદાવાદમાં એક પ્રોફેસરે તેની માતાને ઊંઘમાં જ રહેંસી નાંખીને જાતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે સુરતમાં પણ આપઘાતના બનાવો વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યાં છે. છેલ્લા 36 કલાકમાં 11 જેટલા લોકોએ જીવનનો અંત આણ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.આ 11 વ્યક્તિમાંથી ત્રણમાં આર્થિક સંકડામણ અને બેમાં બીમારી જ્યારે કેટલાકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર