રાજકોટમાં રાત્રીના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરગઢ ભીચરી ગામમાં પિતા રાજુ ભોજવીયાએ તેના જ પુત્ર અજીત ભોજવીયાને છાતીમાં છરી ભોંકી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ત્યારે યુવાનનો બચાવ વચ્ચે પડેલ તેની પત્ની અને માતાને ઇજા પહોચતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણકુવાડવા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકની પત્ની ભારતીએ જણાવ્યું હતું કે મારા પતિ અને રાજકોટ રહેતા જેઠ અરવિંદ સહિતના સાંજે ગામમાં માતાજીનો તાવો હોવાથી પ્રસાદ લેવા ગયા હતાં. સાંજે પાંચેક વાગ્યે બંને પરત આવ્યા હતા અને જેઠ રાજકોટ તેના ઘરે જતા રહ્યા હતાં. પતિ રાતે નવેક વાગ્યે અમારી વાડીએ પાણી વાળવા ગયા હતા. બહુ કામ ન હોવાથી હું રૂમમાં દરવાજો અંદરથી બંધ કરીને સૂઇ ગઇ હતી. દરમિયાન મારા પતિ અજિત રાતે પોણાઅગિયારેક વાગ્યે પાણી વાળવામાં વાડીએ મારી મદદની જરૂર હોવાથી મને બોલાવવા ઘરે આવ્યા હતા. આ વખતે મારા સસરા રાજુ ભોજવિયા ઓસરીમાં હતાં. પતિએ રૂમનો દરવાજો બે-ત્રણ વખત ખખડાવતાં હું જાગી ગઇ હતી. ત્યાં સસરા રાજુ ભોજવિયા પણ ઓસરીમાં હોવાથી તેઓ પણ જાગી ગયા હતા. મારા પતિને શું દેકારો કરે છે? શું કામ તારી ઘરવાળીની સાથે માથાકૂટ કરે છે?' એમ કહેતાં મારા ધણી અજિતે એ મારી ઘરવાળી છે, હું તેને કહું છું, તમને નથી કહેતો...એમ કહેતાં મારા સસરાએ ઘરમાંથી છરી ઉઠાવી હુમલો કરતાં હું અને મારાં સાસુ જીણીબેન વચ્ચે પડતાં અમને હાથમાં ઇજા કરી હતી. મારા પતિને છાતીમાં એક ઘા ઝીંકી દેતાં તે પડી ગયા હતા. અમે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા, પણ તેઓ બચી શક્યા નહોતા. સસરાએ દારૂ પીધો હોવાનું પણ ભારતીએ કહ્યું હતું. હત્યા બાદ આરોપી રાજુ ભોજવિયા ભાગી ગયો હતો. બનાવની જાણ થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજુને તેની વાડીની નજીકની બીજી વાડીમાંથી મોડી રાતે દબોચી લીધો હતો.