ગુજરાતમાં આતંકવાદી સંગઠન અલકાયદાના હુમલાની આશંકા, દ્વારકા મંદિર ખાતે સુરક્ષા વધારાઈ

શનિવાર, 11 જૂન 2022 (13:39 IST)
સમગ્ર રાજ્યમાં આંતકવાદી સંગઠન અલકાયદાના હુમલાના ઈનપૂટના પગલે સુરક્ષા હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ત્યારે જગત મંદિર દ્વારકાધીશ ખાતે સુરક્ષા વધારીને થ્રી લેયર કરાઇ છે. દ્વારકા જિલ્લો ત્રણ તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિ એ અતિ મહત્વ પૂર્ણ ગણાય છે.અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલું હોવાથી દર રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવે છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખુબજ મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે.

આતંક વાદી હુમલાની શંકાના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલિસ એન્ટ્રી કરતા વાહનોનું ચેકીંગ કરી રહી છે.જગત મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે, જેને લઈ અહીં આવતાં તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આતંકી સંગઠન અલકાયદા દ્વારા રાજ્યમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. જેને લઈ દ્વારકાના ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી ભીડ-ભાડવાળી જગ્યામાં પોલીસે ચાંપતી નજર રાખી છે. આતંકવાદી હુમલાના ઈનપુટને લઈ તંત્ર અને પોલીસે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર