ગુજરાતમાં કોર્ટમાં શનિવારથી દિવાળી વેકેશન જાહેર કરાયું,હાઈકોર્ટ 28 નવેમ્બરથી અને નીચલી અદાલતો 20મીથી ખુલશે

શુક્રવાર, 10 નવેમ્બર 2023 (11:50 IST)
ગુજરાતમાં દિવાળી વેકેશનની શરૂઆત થઈ ગઈ છે સ્કૂલ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને વેકેશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્યની કોર્ટોમાં પણ વેકેશનની શરૂઆત થઈ છે. હાઈકોર્ટમાં ઓફિશિયલ 13 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી એમ 12 દિવસ દિવાળી વેકેશન રહેશે.જોકે, 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી અને ત્યારબાદ 12 નવેમ્બરે રવિવાર હોવાથી 11 નવેમ્બરથી જ કોર્ટમાં રજાઓ શરૂ થઈ જશે. જ્યારે 25 નવેમ્બરે ચોથો શનિવાર અને ત્યારબાદ અનુક્રમે રવિવાર અને સોમવારે ગુરુ નાનક જયંતિ આવતી હોવાથી હાઈકોર્ટ હવે 28 નવેમ્બરને મંગળવારે ખુલશે. આમ હાઈકોર્ટમાં કુલ 17 દિવસ રજાઓ રહેશે. જ્યારે લોઅર કોર્ટમાં પણ બીજા શનિવાર 11 નવેમ્બરથી રજાઓની શરૂઆત ગણતા 9 દિવસ બાદ 20 નવેમ્બરે કોર્ટ ખુલશે.

આ સમયગાળા દરમિયાન તાત્કાલિક સુનાવણીની જરૂરિયાત હોય તેવા કેસ માટે હાઈકોર્ટ અને લોઅર કોર્ટ બંનેમાં જજની ફાળવણી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં 11 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન જજ દિવ્યેશ જોશી ફોજદારી કેસો અને જજ દેવેન દેસાઈ દિવાની કેસો સાંભળશે. 18 અને 19 નવેમ્બરે જજ દિવ્યેશ જોશી સિવિલ અને ક્રિમીનલ એમ બંને પ્રકારના કેસો સાંભળશે. 20 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી સવારે 11.30 કલાકથી બપોરે 01.30 કલાક સુધી એમ.કે. ઠક્કર દિવાની કેસો સાંભળશે. જ્યારે આ સમયગાળામાં વિમલ વ્યાસ ફોજદારી કેસો સાંભળશે.શનિ અને રવિવારે સિટિંગ રહેશે નહીં, જોકે કેસની અર્જન્સી જોઈને જજ નિર્ણય કરશે.અમદાવાદ શહેરની અંદરની જામીન અરજીઓમાં સરકારી વકીલને 24 કલાક પહેલા અને અમદાવાદ શહેર બહારની અરજીઓમાં 48 કલાક પહેલા નોટિસ આપવાની રહેશે. હાઈકોર્ટ રજિસ્ટ્રી પણ ઉપરોક્ત તારીખે સવારે 11થી બપોરના ત્રણ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જોકે, તાત્કાલિક સુનાવણી માટે 11થી બપોરના 1 વાગ્યા સુધી જ અરજી થઈ શકશે.ડિવિઝન બેંચની અરજીઓમાં નોટિસ અને વચગાળાની રાહત માટે સિંગલ જજ નિર્ણય લઈ શકશે.આવા કેસોનો ફાઈનલ નિર્ણય કોર્ટ ખુલ્યા બાદ ડિવિઝન બેન્ચ જ કરશે. જ્યારે નીચલી અદાલતોમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં પણ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા દિવાળીની રજાઓ માટે જજની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 13,16,17 અને 18 નવેમ્બરે ઈન્કમટેક્સ જિલ્લા ન્યાયાલયના બે જજની ઉપસ્થિતિમાં બપોરે 1થી 3 દરમિયાન ન્યાયિક કાર્યવાહી ચાલું રહેશે.આ સિવાય તાત્કાલિક કાર્ય માટે જજના ઘરે જવાનું રહેશે. આ અરજન્ટ ચાર્જ માટે કુલ 12 જજ ફાળવાયા છે.જેમાંથી 6 જજ સ્પેશિયલ દિવાની દાવા અને 6 જજ ક્રિમીનલ તેમજ રેગ્યુલર દીવાની કેસ સાંભળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર