કોરોનામાં પતિ કે પત્ની ઓફિસથી ઘરે આવ્યા બાદ ડરને કારણે શારીરિક સંબંધ બનાવતા નથી, રોજના 20 કેસ સેક્સ સમસ્યાસંબંધી આવી રહ્યા છે
શનિવાર, 5 જૂન 2021 (15:05 IST)
કોરોનાએ આર્થિક, માનસિક અને શારીરિક પાયમાલી કરી દીધી છે, જેને કારણે અનેક લોકો હતાશામાં જતા રહ્યા છે, પરંતુ એની સાથે કોરોનાએ કપલ વચ્ચે જાતીય સંબંધોની સમસ્યા ઊભી કરી દીધી છે. અમદાવાદમાં રોજ 20 જેટલાં કપલ પોતાની આ સમસ્યાને લઈને ડોકટર પાસે જાય છે. એની સાથે અનેક લોકો ઓનલાઈન ડોકટર કન્સલ્ટ કરે છે. અમદાવાદના જાણીતા સાઇકિયાટ્રિક અને અંંગત સમસ્યાના ડોકટરે છેલ્લા 9 મહિનામાં 2500 લોકોના સર્વે કર્યો છે, જેમાં પરિણીત, અપરિણીત, સિંગલ, હોમો સેક્સ્યૂઅલ અને ગેનો સમાવેશ થાય છે. તેમના કહેવા પ્રમાણે, દર મહિને 350થી વધુ લોકો કોરોનાકાળમાં જાતીય સમસ્યા લઈને આવે છે.
શહેરના સાઇકોલોજિસ્ટ અને સેક્સ સમસ્યામાં નિષ્ણાત ગણાતા ડોકટરએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે કપલની સેક્સલાઈફને ખૂબ મોટી અસર થઈ છે. અમે 9 મહિનાથી આવા દર્દીઓનો સર્વે કર્યો છે, જેમાં 18થી 45 વર્ષના લોકો પર સર્વે કરાયો, જે લોકોએ અમારી પાસે સીધા કે ઓનલાઈન સેક્સ સમસ્યા માટે ઇન્કવાયરી કરી હતી. હાલ રોજના 20 દર્દી મારી પાસે આવે છે. જે OPD દર્દી છે અને હવે સામાન્ય ગણાતા સેક્સસંબંધ હવે લગ્નજીવનમાં તિરાડ માટે જવાબદાર બનવા સુધી પહોંચી ગયા છે, જેમાં સૌથી મોટું કારણ કોરોનાનો ડર છે, જેથી પાર્ટનર એકબીજાથી દૂર રહે છે, જેમાં શારીરિક દુર્બળતા છુપાવવા પુરુષ વાયગ્રા તરફ પણ વળ્યા છે છતાં કપલ વચ્ચે સામ્યતા નથી જોવા મળતી અને સ્ત્રીપાત્ર સૌથી વધુ અસંતોષ અનુભવી રહ્યાં છે.
અમદાવાદમાં પ્રથમ લોકડાઉન બાદ જ્યારે વેપાર-રોજગાર શરૂ થયા ત્યાર બાદ મિલન (નામ બદલ્યું છે) પોતાના કામ અર્થે બહાર નીકળવા લાગ્યા હતા. મિલન રોજ ઘરે આવે, પણ પત્ની સાથે તેનો પહેલાં જેવો વ્યવહાર રહેતો ન હતો. પતિ-પત્ની વચ્ચેના બેડરૂમના સંબંધ હવે રહેતા ન નહોતા અને મિલન તેની પત્નીથી દૂર રહેવા લાગ્યો. આ બધું ત્રણથી ચાર મહિના સુધી રહ્યું, જેથી પત્ની મિલન પર શક કરવા લાગી અને મિલનના કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે, કહીને ઝઘડો કરવા લાગી. ત્યાર બાદ બન્નેએ સેક્સ સમસ્યા માટે હોસ્પિટલમાં ગયાં, જ્યાં બન્નેના મેડિકલ ટેસ્ટ થયા અને કાઉન્સેલિંગ થયું તો જાણવા મળ્યું કે મિલનના નજીકના સ્વજન કોરોનામાં મૃત્યુ પામ્યા હતા, જેની અસર તેના મન પર થઈ અને પત્નીને અડવાથી તેને પણ કોરોના થશે એવા ડરને કારણે તે દૂર રહેતો હતો. હાલ મિલનની દવા ચાલી રહી છે.
શહેરના સેટેલાઇટ વિસ્તરમાં રહેતા 27 વર્ષીય રાજીવ (નામ બદલ્યું છે )ના લગ્ન નેહા (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના 1 વર્ષ થયું ત્યાં બન્ને વચ્ચે સેક્સલાઈફ પૂરી થઈ ગઈ હતી. નેહા મનમાં ને મનમાં રાજીવ વિશે શક કરવા લાગી અને પોતાની જિંદગી પૂરી થઈ ગઈ એવું માનવા લાગી હતી. રોજ રોજ પતિ-પત્ની વચ્ચે સેક્સ સમસ્યાને કારણે ઝઘડા થવા લાગ્યા હતા. એક દિવસ રાજીવ આ સમસ્યાને કારણે વાયગ્રા પણ લીધી, પરંતુ કોઈ ફરક પડ્યો નહિ. આખરે તેઓ ડોકટર પાસે ગયાં અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં જાણવા મળ્યું કે રાજીવને જ્યારે કોરોના થયો હતો ત્યારે તેને કેટલીક પ્રિસ્ક્રિપ્શન વગરની દવા લીધી હતી, જેને કારણે તેને લોહીના પરિભ્રમણને અસર થઈ હતી તેમજ તે સતત સ્ટ્રેસમાં રહેવાને કારણે આ સમસ્યા સર્જાય છે. હાલ તેની મેડિકલ અને સાઇકોલોજિકલ સારવાર થઈ રહી છે.
અમદાવાદના વસ્ત્રાપુર પાસે રહેતા યુવાન નીતિન વિદેશ જવાની તૈયારી કરે છે. કોરોના આવતાં તે સતત ઘરમાં રહેતો અને ઈન્ટરનેટ પર દેશવિદેશના વીડિયો સર્ચ કરતો હતો. આ બધાની વચ્ચે તે રૂમમાંથી બહાર જ નીકળતો ન હતો અને આ બધાની વચ્ચે સમય એવો આવ્યો કે તે રૂમમાં કોઈને આવવા દેતો ન હતો. તે માતા-પિતા સાથે એક જ ઘરમાં રહેતો હોવા છતાં ફોન પર વાત કરતો હતો. માતા-પિતાને નીતિનની ચિંતા થવા લાગી હતી, જેથી તેને જેમતેમ કરીને શહેરના સાઇકોલોજિસ્ટ પાસે લઈ ગયા હતા, જ્યાં કાઉન્સેલિંગ દરમિયાન માતા-પિતાને જે જાણવા મળ્યું એનાથી તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. દીકરાને ઘરમાં રહેવાને કારણે તેને ઈન્ટરનેટ પર હોમોસેક્સ્યૂઅલ વીડિયોનું વ્યસન થઇ ગયું હતું તેમજ એક એવા ગ્રુપ સાથે પણ કનેક્ટ થઇ ગયો હતો. હાલ આ યુવાનની સારવાર ચાલી રહી છે.