અમરેલીમાં મધરાતે ભરઊંઘમાં રહેલી બાળકીને સિંહણ ઉપાડી ગઈ, સવારે માત્ર અંગો મળ્યા

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (16:03 IST)
વનવિભાગે સિંહણને પાંજરે પૂરવા અલગ અલગ ત્રણ જેટલી ટીમો બનાવી
 
અમરેલીઃ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાના હૂમલા વધતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમરેલીના બગસરામાં મોડી રાત્રે ભર ઊંઘમાં રહેલી માસુમને સિંહણ ઉઠાવી જતાં ચકચાર મચી ગઈ છે. વનવિભાગ અને ગ્રામજનોએ આખી રાત શોધખોળ કરી હતી પરંતુ બાળકી કે સિંહણ બંનેમાંથી કંઈ હાથ લાગ્યું નહોતું પણ સવારના સમયે બાળકીના અંગો મળી આવ્યા હતાં. આ ઘટનાને લઈને લોકોમાં ભય ફેલાયો છે. 
 
સિંહણ બાળકીને ઉપાડી જતાં પરિવારે બૂમાબૂમ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બગસરાના હાલરિયા ગામમાં એક વાડીમાં બહારથી મજૂરી માટે આવેલો પરિવાર સૂતો હતો. આ દરમિયાન ત્યાં સિંહણ આવી પહોંચી હતી અને બાળકીને ઉઠાવી ગઈ હતી. સિંહણ બાળકીને ઉપાડી જતાં પરિવારે બૂમાબૂમ કરી મુકી હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. લોકોએ સિંહણની પાછળ બાળકીને છોડાવવા માટે દોડાદોડ કરી મુકી હતી. બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હોવાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને વધુ શોધખોળ હાથ ધરી હતી.
 
વનવિભાગને બાળકીના અંગોના અવશેષો હાથ લાગ્યા
ગ્રામજનો અને વનવિભાગે આખી રાત શોધખોળ કર્યા બાદ પણ કંઈ હાથ નહોતુ લાગ્યું અને સવારે માત્ર બાળકીના અંગો મળી આવતાં લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતાં. વનવિભાગની ટીમે જે અંગોના અવશેષો મળ્યા હતાં તેને બગસરા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં અને સિંહણની શોધખોળ ચાલુ રાખી હતી. અમરેલી ઇન્ચાર્જ IFS સાદિક મુંઝવારે આ ઘટનાની ગંભીરતા દાખવી સ્થાનિક આર.એફ.ઓ સહિત અધિકારીઓને સૂચના આપી સિંહણને પાંજરે પૂરવા અલગ અલગ ત્રણ જેટલી ટીમો બનાવી છે.નાની બાળકીને સિંહણે ભરખી જતાં પરિવાર પર આભ ફાટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર