અમદાવાદમાં સનાથલ ઓવરબ્રિજનું ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું, ટ્રાફિકનું ભારણ ઘટશે

શુક્રવાર, 10 માર્ચ 2023 (13:39 IST)
અમદાવાદીઓને આજે વધુ એક બ્રિજની ભેટ મળી છે. અમદાવાદ શહેરના રિંગ રોડના સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સનાથલ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ આવરબ્રિજના કારણે સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને લોકોનો સમય પણ બચશે. આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

બ્રિજના ઉદ્ઘાટન નિમિતે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. આ વર્ષનું ગુજરાતનું બજેટ ઈતિહાસનું સૌથી મોટુ બજેટ છે. ઝુંપડપટ્ટીમાં રહેતું બાળક પણ ટેક્નોલોજી સાથે જોડાય તેથી સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. અમિત શાહના મતક્ષેત્રમાં 28 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આપણી સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી છે. પેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ૩ હજાર વિદ્યાર્થી ખાનગીમાંથી મનપા સ્કૂલમાં આવ્યા છે. 9 વર્ષમાં 50 હજારથી વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા છે. 12 લાખ 50 હજાર જેટલા આવાસો ગ્રામ્ય અને શહેરોમાં આપ્યા છે.અમદાવાદ અને રાજકોટ રાજ્યનાં બે મુખ્ય શહેરો છે, જેમાં અમદાવાદ અને રાજકોટ તરફ આવતા-જતા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે.

સનાથલ જંક્શનની નજીક અમદાવાદ-સરખેજ-મૌરેયા રેલવે લાઇન પરના ફાટક નં. 33 પર પણ ખૂબ ટ્રાફિક રહે છે એટલે ઔડા દ્વારા રિંગરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8એના જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી આ બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો, જેનો કોન્ટ્રાક્ટ રચના કન્સ્ટ્રક્શન કંપનીને અપાયો હતો, જેમાં ડેલ્ફ કન્સલ્ટિંગ (ઇન્ડિયા) પ્રા. લિ.ને કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને પીએમસી તથા રેલવે વિભાગના પીએમસી તરીકે રાઇટ્સ લિમિટેડને ફરજ સોંપાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને આ અંગે પૂછતાં તેઓએ કહ્યું હતું કે, સનાથલ જંક્શનના રેલવે ઓવરબ્રિજને રૂ.96.81 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર