ગુજરાતમાં હોળી-ધુળેટીના તહેવારોમાં ૧૦૮ ઈમરજન્સી સેવા રહેશે ખડેપગે
સોમવાર, 9 માર્ચ 2020 (14:43 IST)
આગામી ૯ અને ૧૦ માર્ચે હોળી- ધુળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ૬.૬૬ અને ધુળેટીના દિવસે ૧૫.૫૫ ટકા કેસમાં વધારો નોંધાવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે. ૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજ્યમાં ૩૦૯૧ જેટલા કેસો નોંધાય છે. જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે ૩૨૯૭ અને ધુળેટીના દિવસે ૩૫૭૬ જેટલા કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ, ઇએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ ૧૦૮ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. રાજ્યભરમાં ૫૮૭થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. અમદાવાદમાં ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના બે લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ ૧૦૮ના સ્ટાફને તહેનાત કરવામાં આવશે.