રાજ્યસભાની બે બેઠકોની અલગ અલગ ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની સુપ્રીમ કોર્ટમાં અરજી

મંગળવાર, 18 જૂન 2019 (08:01 IST)
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાના સભ્યપદે રાજીનામુ આપ્યું હતું. જેને પગલે 15 જૂનના રોજ કેન્દ્રિય ચૂંટણીપંચે ગુજરાતમાંથી ખાલી પડેલી બંને રાજ્યસભા બેઠકોની 5 જુલાઈએ ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ આ ચૂંટણી પ્રક્રિયા એકસાથે પણ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામુ બહાર પાડ્યું હતું. જેથી કોંગ્રેસે એક જ સાથે મતદાન યોજવાની માગ કરી હતી. પરંતુ ચૂંટણીપંચે આ માગ ન સ્વીકારતા કોંગ્રેસે આ ચૂંટણીને મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે, સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.

જો ગુજરાતમાં રાજ્યસભાની એક સાથે બે બેઠકની ચૂંટણી થાય તો અપૂરતી ધારાસભ્યોની સંખ્યાને કારણે ભાજપને બે પૈકી એક બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાવવાની શકયતા છે. પરંતુ કેન્દ્રિય ચૂંટણી પંચે બંને બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા એકસાથે પરંતુ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામુ બહાર પાડતા ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસે થનારી ચૂંટણી બે અલગ અલગ ચૂંટણી ગણાશે. પરિણામે ભાજપના ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે બે બેઠક જાળવવામાં ચૂંટણીપંચે જ રસ્તો સરળ કરી દીધો છે. જો, બે બેઠકની ચૂંટણીનું મતદાન એક જ સાથે કરીને એક જ ચૂંટણી ગણી હોત તો ભાજપને બે બેઠક જાળવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય તોડવા પડત,પણ હવે કોંગ્રેસના ધારાસભ્યો તોડવો નહીં પડે કે ક્રોસ વોટીંગ કરાવવાની પણ જરૂરિયાત નહીં રહે. ચૂંટણીપંચે પોતાના જાહેરનામામાં જણાવ્યું હતું કે આ ચૂંટણી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની 147થી 151ની કલમની જોગવાઇઓ મુજબ યોજાઇ રહી છે. બેઠક દીઠ અલગ ચૂંટણી અંગે દિલ્હી હાઇકોર્ટમાં 1994માં થયેલી રીટ પિટીશન નં.132 (એ.કે.વાલીયા વિ. યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ) તેમજ વર્ષ 2006માં થેયલી રીટ પિટીશન નં. 9357 (સત્યપાલ મલિક વિ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા)ના અનુક્રમે વર્ષ 1994 અને વર્ષ 2009માં આવેલા ચૂકાદાને અનુસરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર